ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય
Cabinet Meeting : દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં 52,667 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપવાની સાથે એલપીજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક અંગે તમામ વિગતો રજૂ કરી છે.
કેબિનેટની બેઠકમાં શું લેવાયા નિર્ણય?
- ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત કરવા માટે 4200 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર
- ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે 30,000 કરોડ રૂપિયાના એલપીજી સબસિડીની મંજૂરી
- 2025-26 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) હેઠળ 12,060 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી
- આસામ-ત્રિપુરાને 4250 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ
સબસિડી મંજૂરી, LPGના ભાવ નહીં વધે
અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કહ્યું કે, ‘ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે 30,000 કરોડ રૂપિયાના એલપીજી સબસિડી(LPG Subsidy)ની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી હવે એલપીજીની કિંમતો(LPG Cylinder Price)માં વધારો નહીં થાય. આ ઉપારંત કેબિનેટની બેઠકમાં પૂર્વોત્તર રાજ્ય આસામ અને ત્રિપુરાનો વિકાસ કરવા માટે 4250 કરોડ રૂપિયાનું સ્પેશિયલ વિકાસ પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
PMUY હેઠળ કુલ 10.33 કરોડ કનેક્શન અપાયા
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં લાભાર્થીઓને 10.33 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. કેબિનેટે આજે લીધેલા નિર્ણયમાં 2025-26 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 12,060 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. મધ્યમ વર્ગને સસ્તામાં એલપીજી ગેસ મળે તે માટે કેન્દ્રીય કેબિનેટે 30,000 કરોડ રૂપિયાની સબસિડીની મંજૂરી આપી છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિના કારણે ગેસની કિંમતોમાં ઉતાર-ચઢાવ થતી રહે છે, જેને ધ્યાને રાખીને સબસિડી આપવામાં આવે છે.’
આ પણ વાંચો : ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો