'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ', જાપાનના પૂર્વ મંત્રીના ગંભીર આરોપ, ભારતે આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bullet Train Delay Controversy: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને લઈને જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ તત્કાલીન ભારતીય મંત્રી અને અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. માકિહારાએ દાવો કર્યો કે પરિયોજનામાં થયેલા વિલંબ માટે સંપૂર્ણપણે ભારતીય પક્ષ જવાબદાર છે. ભારતીય અધિકારીઓએ વાતચીત દરમિયાન ઘણી વખત પોતાના વચનો પૂરા ન કર્યા અને માત્ર પોતાના હિતોને પ્રાથમિકતા આપી.
જાપાનના પૂર્વ મંત્રી હિદેકી માકિહારાનો આરોપ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 15 જુલાઈએ કરવામાં આવેલી પોસ્ટમાં માકિહારાએ કહ્યું કે-
ભારતમાં શિંકાનસેન પરિયોજના સાથે તેઓ પોતે જોડાયેલા રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બેઠકો તથા વાર્તાઓમાં ભારતીય પક્ષનું વલણ અત્યંત બિનજવાબદાર હતું. ભારતીય અધિકારીઓ વચનો આપતા હતા, પરંતુ તેને નિભાવતા ન હતા. એકવાર વચન આપ્યા પછી પણ તરત જ તેનાથી ફરી જતા હતા.'

પ્રોજેક્ટ અટકવા પાછળ ભારતીય નેતૃત્વ જવાબદાર
પૂર્વ જાપાની મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે પરિયોજના સાથે જોડાયેલા ભારતીય મંત્રીનું વલણ સૌથી ખરાબ હતું. તેમણે કહ્યું, 'જો ટોચના સ્તરે આવું વર્તન હોય, તો કોઈપણ પ્રકારની સકારાત્મક વાતચીત શક્ય બની શકે નહીં.' માકિહારાએ ત્યાં સુધી કહ્યું કે પરિયોજના આગળ ન વધવાનું 100 ટકા કારણ ભારતીય પક્ષ છે.
જાપાની એન્જિનિયરના લેખ બાદ વિવાદ વકર્યો
માકિહારાની ટિપ્પણી જાપાનના સીનિયર રેલવે એન્જિનિયર ઇસાઓ સુજીમુરાના એક લેખ બાદ સામે આવી છે. ટોક્યો સ્થિત બિઝનેસ પોર્ટલ ટોયો કેઇઝાઇ ઓનલાઇનમાં પ્રકાશિત લેખમાં સુજીમુરાએ દાવો કર્યો હતો કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના મૂળ જાપાની શિંકાનસેન મોડલથી ઘણી અલગ થઈ ગઈ છે. દિલ્હીમાં મેટ્રો-વ્હીકલ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત સુજીમુરાએ લખ્યું કે ભારતીય અધિકારીઓ વ્યક્તિગત રીતે જાણતા હતા કે 2023 સુધીમાં પરિયોજના શરૂ કરવાનો લક્ષ્યાંક વાસ્તવિક ન હતો. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ પરિયોજના સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલા નથી, પરંતુ તેની પ્રગતિ પર સતત નજર રાખી રહ્યા છે.
ભારત દ્વારા આરોપોનું ખંડન
MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે-
અમે પોસ્ટ જોઈ છે. આ એક વ્યક્તિગત અભિપ્રાય છે અને તથ્યોથી તદ્દન અલગ છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ ટ્રેન પર ભારત-જાપાન વચ્ચેની વાતચીત સારી રીતે આગળ વધી રહી છે.
વિપક્ષી નેતા પવન ખેડાનો સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પૂર્વ જાપાની મંત્રીના આરોપોને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે ભારત-જાપાન શિંકાનસેન પરિયોજના સાથે જોડાયેલા રહેલા એક પૂર્વ જાપાની મંત્રીના આરોપો ગંભીર છે અને સરકારે તેના પર જવાબ આપવો જોઈએ. જો કે, ભારત સરકારનું કહેવું છે કે પરિયોજના નક્કી કરાયેલી યોજના મુજબ આગળ વધી રહી છે અને ભારત-જાપાન વચ્ચેનો સહયોગ પહેલાની જેમ જ મજબૂત બનેલો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ
મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના છે. 508 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સને અમદાવાદ સાથે જોડવામાં આવશે. આ બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે અને તેનાથી બંને શહેરો વચ્ચે મુસાફરીનો સમય આશરે આઠ કલાકથી ઘટીને 2 કલાક રહી જશે. પરિયોજનાના પ્રથમ તબક્કામાં સુરત-બિલીમોરા સેક્શન પર 15 ઑગસ્ટ 2027થી તબક્કાવાર રીતે મુસાફરો માટે સેવાઓ શરૂ થઈ શકે છે. ત્યારબાદ બાકીના ભાગોને પણ તબક્કાવાર રીતે ચાલુ કરવામાં આવશે. જમીન સંપાદન અને રાજકીય કારણોસર શરૂઆતના વર્ષોમાં પરિયોજનાની ગતિ ધીમી રહી હતી, પરંતુ હવે પુલો, સુરંગો અને સ્ટેશનોનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.








