India

મમતાના ભત્રીજાના 'ગેરકાયદે' કાર્યાલય પર બુલડોઝર એક્શન, 5 માળની ઇમારત ધ્વસ્ત કરવા 3 JCB તહેનાત

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલી 5 માળની 'ગેરકાયદેસર' ઑફિસને શનિવારે વહીવટીતંત્રે તોડી પાડવાનું શરૂ કર્યું છે. અમતાલા-બારુઈપુર રોડ પરની આ ઑફિસને જમીનદોસ્ત કરવા 3 બુલડોઝર કામે લગાવાયા છે. નોટિસનો જવાબ ન મળતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતાના ભત્રીજાના 'ગેરકાયદે' કાર્યાલય પર બુલડોઝર એક્શન, 5 માળની ઇમારત ધ્વસ્ત કરવા 3 JCB તહેનાત

Abhishek Banerjee Office : તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીની 'ગેરકાયદેસર રીતે બનેલી' ઑફિસને તોડી પાડવા માટે વહીવટીતંત્રે શનિવારે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ 5 માળની ઑફિસ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટે એકસાથે ત્રણ બુલડોઝર (JCB) કામે લગાડવામાં આવ્યા છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની આ ઑફિસ અમતાલા-બારુઈપુર રોડ પર આવેલી છે.

નોટિસનો જવાબ ન આપતા આખરે તંત્ર એક્શનમાં આવ્યું
મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ બિલ્ડિંગને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા અગાઉ પણ આ ઇમારતને તોડી પાડવા માટે અભિષેક બેનર્જીને ઘણી વખત સત્તાવાર નોટિસ મોકલવામાં આવી હતી અને બિલ્ડિંગ પર નોટિસ ચોંટાડીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ઇમારત કોઈ પણ પ્રકારની મંજૂરી વિના બનાવવામાં આવી હતી. જોકે, અભિષેક બેનર્જી તરફથી આ નોટિસોનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો, જેના પગલે શનિવારે પ્રશાસને આખરે કડક વલણ અપનાવીને ઇમારતને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકારણ ગરમાયું
સાંસદ અભિષેક બેનર્જીની આ સંસદ સભ્ય કાર્યાલય (MP Office) દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલી છે. આ ગેરકાયદેસર બાંધકામને તોડવાની પ્રક્રિયા શરૂ થતાં જ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને રાજકીય વિવાદો વકર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.