mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નેટવર્ક વગર ચાલતી એપનો ઉપયોગ કરે છે આતંકી, તેમનું કમ્યુનિકેશન નેટવર્ક તોડવું સૈન્ય માટે પડકાર

Updated: Jul 11th, 2024

નેટવર્ક વગર ચાલતી એપનો ઉપયોગ કરે છે આતંકી, તેમનું કમ્યુનિકેશન નેટવર્ક તોડવું સૈન્ય માટે પડકાર 1 - image


Kathua Attack News | જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પાંચ જવાનોનો ભોગ લેનારા આતંકી હુમલાને લઇને નવા ખુલાસા થઇ રહ્યા છે. નવા અહેવાલ અનુસાર બેથી ત્રણ આતંકીઓ પીઓકેથી ઘૂસણખોરી કરીને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. અને કઠુઆ, ઉધમપુર તેમજ ડોડા જિલ્લામાં તેઓ ફેલાઇ ગયા છે. જેઓ અન્ય સક્રિય આતંકીઓને સૈન્ય પર હુમલાને સફળ બનાવવામાં મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત આતંકીઓ એજન્સીઓ અને ભારતીય સૈન્યથી છટકીને હાઇબ્રિડ કોમ્યુનિકેશન સિસ્ટમની મદદથી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.

મીડિયા અહેવાલોમાં પોલીસ સુત્રોએ જણાવ્યું છે કે અમને એવી જાણકારી મળી છે કે સ્થાનિક આતંકીઓ આશરે ત્રણ મહિના પહેલા આંતરરાષ્ટ્રીય સરહદથી પાકિસ્તાની આતંકીઓની સાથે મળીને ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા છે. આ આતંકીઓના ખાતમા માટે સુરક્ષાદળોએ આતંકવાદ વિરોધી અભિયાનને ઝડપી બનાવ્યું છે. પાકિસ્તાની આતંકીઓ ભૌગોલિક વિસ્તારોની જાણકારી, સંવાદ અને પોતાના લક્ષ્યની જાણકારી મેળવવા માટે અલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશન અને ચીની અલ્ટ્રાસેટ હેંડસેટનો સહારો લઇ રહ્યા છે. 

કઠુઆમાં થયેલા આતંકી હુમલાની તપાસ કરી રહેલી એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આતંકીઓએ લક્ષ્યનું સ્થળ પસંદ કરવા માટે અલ્પાઇન ક્વેસ્ટ એપનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા જ્યારે આઠ જેટલા ઘવાયા હતા. આ એપ્લિકેશન નેટવર્ક વગર પણ પહાડીઓ, નદી નાળા, જંગલ સહિતની માહિતી આપે છે.  કઠુઆના હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનના પ્રોક્સી કાશ્મીર ટાઇગર્સે લીધી છે. તપાસકર્તાઓનું માનવુ છે કે જમ્મુ ક્ષેત્રમાં આતંકીઓના બે અલગ અલગ સમૂહ સક્રિય હતા, બન્ને સમૂહમાં ચાર આતંકીઓ અન્ય નાના સમૂહમાં ફેરવાઇ ગયા હતા અને ડોડા, કઠુઆ, ઉધમપુર તેમજ રિયાસીના ઉપરી વિસ્તારોમાં ફેલાઇ ગયા છે.

આતંકીઓ હાઇબ્રિડ કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. આતંકીઓ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓનો સંપર્ક કરવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. સૈન્યની તપાસ દરમિયાન આવા અલ્ટ્રાસેટ સિસ્ટમ મળી આવ્યા છે જેનો ઉપયોગ આતંકીઓ પુરી પ્લાનિંગ સાથે કરી રહ્યા છે અને આતંકી હુમલાને અંજામ પણ આ સિસ્ટમની મદદ લઇને આપ્યો હોવાના પણ અહેવાલો છે. અલ્ટ્રાસેટ હેંડસેટ હાઇબ્રિડ કોમ્યુનિકેશન સિસ્ટમ પર ચાલે છે, જે સેલ્યુલર ટેક્નીકને વિશેષ રેડિયો ઉપકરણો સાથે જોડે છે. આ ડિવાઇસ મેસેજ મોકલવા મેળવવા કામ આવે છે. જે જીએસએમ અથવા સીડીએમએ જેવા જુના મોબાઇલ નેટવર્કથી સ્વતંત્ર રુપે સંચાલિત થાય છે. સૈન્યને તાજેતરમાં જ આવા ત્રણ ડિવાઇસ મળી આવ્યા છે. આ નેટવર્ક હાલ સૈન્ય માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યું છે. કઠુઆમાં આતંકી હુમલા સમયે મોટી સંખ્યામાં જવાનો કાફલામાં સામેલ હતા, આ હુમલામાં વધુ જાનહાની રોકવા માટે અન્ય જવાનોએ માત્ર થોડા જ સમયમાં આશરે પાંચ હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા, જેને કારણે આતંકીઓએ પાછીપાની કરવી પડી હતી અને સ્થળ પરથી ભાગી ગયા હતા. જેને કારણે બહુ મોટી જાનહાની પણ ટાળી શકાઇ હતી.

અતિ ઘાતક અમેરિકી રાઇફલ કાશ્મીરમાં આતંકીઓ પાસે કેવી રીતે પહોંચી?

કઠુઆમાં આતંકીઓએ હુમલા માટે અમેરિકી બનાવટની એમ૪ કાર્બાઇન રાઇફલનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ આ રાઇફલનું ઉત્પાદન ૧૯૮૭માં શરૂ કર્યું હતું જેેને તમામ રાઇફલ્સમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. નજીકના હુમલામાં આ ઓટોમેટિક રાઇફલનો વધુ ઉપયોગ થાય છે. આ અમેરિકી ઇન્ફ્રેંટ્રીનુ પહેલુ હથિયાર છે. રાઇફલથી છૂટેલી ગોળી ત્રણ હજાર ફૂટ પ્રતિ સેકન્ડની ગતિથી આગળ વધે છે. જેને કારણે ટાર્ગેટને સ્થળ પરથી છટકવાનો કોઇ સમય જ નથી મળતો. જેથી ૬૦૦ મીટરની રેંજ સુધી નિશાન ચુકવાની શક્યતાઓ બહુ જ ઓછી રહે છે. આ ઉપરાંત ૩૬૦૦ મીટર સુધી ટાર્ગેટને ભેદવો શક્ય છે. આતંકીઓએ આ રાઇફલનો ઉપયોગ ઇરાક-સીરિયા, અફઘાનિસ્તાન, યમન, આફ્રિકા વગેરે ક્ષેત્રોમાં ઉપયોગ કર્યો છે. હવે તે જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગઇ છે. બંદુકનું વજન માત્ર ત્રણથી ચાર કિલો જ હોવાથી તેને ઉઠાવવી સરળ બની જાય છે. અત્યાર સુધીમાં અમેરિકાએ પાંચ લાખથી વધુ આવી રાઇફલ બનાવી છે. કાશ્મીરમાં આતંકીઓ પાસે આ રાઇફલ પાકિસ્તાનની મદદથી પહોંચી હોય તેવી શક્યતાઓ છે. 

Gujarat