Brazil President Lula da Silva India Visit : બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લૂલા દા સિલ્વા બુધવારે પાંચ દિવસીય ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. નવી દિલ્હી એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારત આવેલા સિલ્વા સાથે અનેક મોટી કંપનીઓના માલિકો અને ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિથી ખૂશ થયા રાષ્ટ્રપ્રમુખ
એરપોર્ટ પરથી હોટલ પહોંચતા જ રાષ્ટ્રપ્રમુખ લૂલાનું પરંપરાગત ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય આતિથ્ય સત્કારથી પ્રભાવિત થઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિડિયો શેર કર્યો હતો. તેમણે 'નમસ્તે ઈન્ડિયા' કહીને ભારતનો આભાર માનતા જણાવ્યું કે, તેઓ અહીં એક અત્યંત મહત્ત્વપૂર્ણ એજન્ડા સાથે આવ્યા છે. તેમના મતે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા, ભાગીદારીને વધુ ઊંડી બનાવવી અને વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ભવિષ્ય પર ચર્ચા કરવાનો છે.
આ પણ વાંચો : ‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ
AI ઇમ્પેક્ટ સમિટમાં આપશે હાજરી
પોતાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ લૂલા 19 અને 20 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં આયોજિત 'બીજી AI ઈમ્પેક્ટ સમિટ'માં ભાગ લેશે. ભારત રવાના થતા પહેલા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં ભારત અને બ્રાઝિલ વચ્ચેનો વેપાર 15 અબજ અમેરિકી ડોલરથી વધુ રહ્યો છે, અને હવે તેઓ નવા ક્ષેત્રોમાં રોકાણ અને તકો ઊભી કરવા માટે આતુર છે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ મુર્મુ સાથે મુલાકાત
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ લૂલા વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. આ ઉપરાંત, તેઓ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને તેમના દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. ઉપરાષ્ટ્રપ્રમુખ સીપી રાધાકૃષ્ણન અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સાથે બેઠક યોજશે.
આ પણ વાંચો : ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર


