Maharashtra Political News : મહારાષ્ટ્રમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી(BMC Election 2026)ને લઈને તમામ પક્ષોએ ધમધોકાર તૈયારીઓ કરવાની સાથે આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ શરુ કરી દીધા છે. ચોંકાવનારી વાત એ છે કે, ચૂંટણીને લઈને મહાયુતિના સાથી પક્ષો ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ડખો ઊભો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ મહાયુતિમાં ચૂંટણી માટે સીટ શેયરિંગની કવાયત ચાલી રહી છે, ત્યારે બંને પાર્ટીઓ વચ્ચે બે નગર પાલિકાને લઈ વિવાદ ઊભો થયો છે, જેના કારણે બંને પાર્ટી નેતાઓએ એકબીજા પર આક્ષેપો શરુ કરી દીધા છે. આ વિવાદ ઊભો થયા બાદ બંને પાર્ટીઓએ બે નગર પાલિકામાં સામ-સામે ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી દીધી છે.
ભાજપ-શિવેસના વચ્ચે બે પાલિકાને લઈને વિવાદ
રિપોર્ટ મુજબ સીટ શેયરિંગમાં બંને પાર્ટીઓને છત્રપતિ સંભાજીનગર અને પૂણે મહાનગર પાલિકામાં ઉમેદવાર ઊભા રાખવા છે, જેના કારણે હવે તેમણે બંને બેઠકો પર આમને-સામને ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી છે. બંને પાલિકાની બેઠક વહેંચણીનો વિવાદ ઊભો થયા બાદ હવે પાર્ટીના ધારાસભ્ય અને નેતાઓ પણ નારાજ થયા છે અને એકબીજા પર ગઠબંધન તોડવાનો આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.
ભાજપે ગઠબંધન તોડ્યું : શિરસાટ
શિવસેના ધારાસભ્ય અને મંત્રી સંજય શિરસાટે દાવો કર્યો છે કે, ‘છત્રપતિ સંભાજીનગરમાં ભાજપનો દબદબો વધવાના કારણે તેણે અહંકારમાં આવી ગઠબંધન તોડ્યું છે. કેટલાક સ્થાનિક ભાજપ નેતાઓએ જાણીજોઈને ગઠબંધન તોડ્યું છે, જેનું અમને દુઃખ છે. વિવાદાસ્પદ બેઠકોનો મુદ્દો ઉકેલવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડ઼ણવીસ (CM Devendra Fadnavis) સાથે વાતચીત થઈ હતી, તેમ છતાં આ વિવાદને જાણીજોઈને ઉઠાવાયો છે.’
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે, અમેરિકાની ભવિષ્યવાણી
‘ભાજપે શિવસેનાને અંધારામાં રાખી’
શિરસાટે એવું પણ કહ્યું કે, ‘ભાજપે શિવસેનાને અંધારામાં રાખીને સીટ શેયરિંગની વાતચીત ચાલુ રાખી છે અને પોતાના ઉમેદવારો પણ તૈયાર કરી લીધા છે. શિવસેનાએ પોતાના તમામ ઉમેદવારોને ઉમેદવારીપત્ર ભરવા માટે કહ્યું છે અને સમસ્યા ઊભી થવાની પણ આશંકા વ્યક્ત કરી છે.’
શિવસેનાના અહંકારના કારણે ગઠબંધન તૂટ્યું : ભાજપ મંત્રી
શિરસાટના આક્ષેપ બાદ ભાજપ મંત્રી અતુલ સાવેએ પ્રતિક્રિયા આપી છે. અતુલે શિરસાટના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે શિવસેના પર સીટ શેયરિંગને લઈને વારંવાર વલણ બદલવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભાજપના કોર્પોરેટરો જે બેઠકો પર સતત જીતતા આવ્યા છે, તે બેઠકો શિવસેના માંગી રહી છે. તેમના અહંકારના કારણે જ ગઠબંધન તૂટ્યું છે.’ ભાજપ-શિવસેના વચ્ચે પૂણે મહાનગર પાલિકા મામલે પણ વિવાદ ઊભો થયો છે. આ કારણે બંને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : ટ્રેનમાં સસ્તી મુસાફરી કરવાની તક, રેલવેએ કરી જાહેરાત


