Rahul Gandhi Germany Visit: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે, 'ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી.'
સંસ્થાઓ પર કબજાનો આરોપ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, 'ભારતની લોકશાહી સંસ્થાઓ પર ભાજપે સંપૂર્ણ કબજો કરી લીધો છે. CBI અને ED જેવી એજન્સીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ એજન્સીઓ માત્ર વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે, જ્યારે ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. ભાજપ રાજ્યો, ભાષાઓ અને ધર્મોની સમાનતાના વિચારને નષ્ટ કરવા માંગે છે.
ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ પર સવાલ
હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ પર ફરી એકવાર શંકા વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 'હરિયાણાની ચૂંટણી અમે જીત્યા જ હતા, પરંતુ મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલાનું નામ હોવા જેવી અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. અમે જ્યારે ચૂંટણી પંચને આ બાબતે પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નથી.' આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રની ચૂંટણીઓને પણ 'અન્યાયી' ગણાવી હતી.
વૈશ્વિક પરિદૃશ્ય અને ભારતનું ભવિષ્ય
વૈશ્વિક રાજકારણ વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે, 'ભારતને અગાઉ અમેરિકાના પ્રભુત્વનો ફાયદો થયો હતો, પરંતુ હવે અમેરિકા લશ્કરી અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત રાજ્યોનો સંઘ છે અને કોઈ એક વ્યક્તિ આખા દેશનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ભાજપ ચર્ચામાં માનતું નથી, જે લોકશાહી માટે ખતરો છે.'
રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનો પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ 'X' પર લખ્યું, 'રાહુલ ગાંધી કહે છે કે જો લોકો અંદરો-અંદર લડશે, તો ભારત નિષ્ફળ જશે. શું ભારતને પ્રેમ કરનાર કોઈ ભારતને નિષ્ફળ જોવા માંગશે? રાહુલ ગાંધીની કોંગ્રેસ, તેના વૈચારિક માર્ગદર્શક જ્યોર્જ સોરોસ સાથે, ભારતીય લોકશાહીમાં અરાજકતા અને અશાંતિ ઇચ્છે છે.'


