Maharashtra local elections : મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ બાદ રાજકારણમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. રવિવારે સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી. જે બાદ વિપક્ષે આગામી BMC ચૂંટણી તથા પૂણેની સ્થાનિક ચૂંટણીને લઈને કમર કસી છે.
કોંગ્રેસ અને રાજ રાજ ઠાકરે બંને સાથે ગઠબંધન કરવા શિવસેના-UBTના પ્રયાસ
ગઇકાલે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે રાહુલ ગાંધીને અપીલ કરી છે કે BMCમાં કોંગ્રેસે ઉદ્ધવ જૂથ સાથે ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ. નોંધનીય છે કે અત્યાર સુધી તો શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ કોંગ્રેસ વિના જ ચૂંટણીની તૈયારીમાં હતું. ખુદ સંજય રાઉતે કહ્યું હતું કે જે આવવું હોય તે આવે બાકી અમે તો એકલા હાથે ચૂંટણી લડીશું. બીજી તરફ કોંગ્રેસ સ્થાનિક નેતાઓએ પણ જાહેરાત કરી હતી કે BMCમાં કોઈ ગઠબંધન વિના ચૂંટણી લડીશું. જોકે હવે સમીકરણ બદલાયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
શિવસેના ઉદ્ધવ જૂથ રાજ ઠાકરેની MNS સાથે પણ ગઠબંધન કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે કોંગ્રેસ અને રાજ ઠાકરેની વિચારધારામાં મતદભેદ હોવાના કારણે ત્રણેય પક્ષો સાથે આવે તે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. એવામાં સંજય રાઉતના પક્ષની સૌથી મોટી સમસ્યા એ જ છે કે ગઠબંધન માટે કોંગ્રેસને રાજી કેવી રીતે કરવી અને તે બાદ બંને પક્ષો વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું.
BMC પર જીત ઉદ્ધવ ઠાકરે માટે શાખનો સવાલ
નોંધનીય છે કે BMC ( બૃહન્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ) પર છેલ્લા 25 વર્ષથી શિવસેનાનું રાજ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અહીંથી ઠાકરે બ્રધર્સનું પ્રભુત્વ ખતમ કરવા માંગે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અહીં જીતીને પોતાની શાખ બચાવવા માંગે છે. શિવસેનામાં બે ભાગલા બાદ હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હાથ મિલાવવા માટે તૈયાર થયા છે. જોકે મુસ્લિમ અને ઉત્તર ભારતીયોના વોટ વિના જીત મુશ્કેલ છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરેની નજર કોંગ્રેસ પર છે.
બીજી તરફ પૂણેમાં કોંગ્રેસને અજિત પવારની ઓફર!
ન્યૂઝ એજન્સી PTI અનુસાર અજિત પવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટિલ સાથે ગઠબંધન અંગે ફોન પર વાતચીત કરી. બંને પક્ષો વચ્ચે પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષો ગઠબંધન કરી શકે છે. સૂત્રો અનુસાર અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. સતેજ પાટિલે અજિત પવારને જવાબ આપ્યો છે કે તેઓ પક્ષના અન્ય નેતાઓ સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. સૂત્રો અનુસાર કોંગ્રેસ પૂણેમાં ઓછી બેઠકો પર સમાધાન નહીં કરે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે અજિત પવારની NCP સાથે ગઠબંધન નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અજિત પવારની ઓફર પર તૈયાર થાય છે કે પછી જૂના સાથીઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે જ ગઠબંધન કરે છે.


