Kerala Election Result: કેરળ નાગરિક ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા. કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ ગઠબંધને કેરળમાં સારું પ્રદર્શન કર્યું, જ્યારે શશી થરૂરના તિરુવનંતપુરમ મતવિસ્તારમાં ભાજપનો વિજય થયો. આ દરમિયાન, ભાજપના મુસ્લિમ ઉમેદવાર મુમતાઝે હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે.
મુસ્લિમ ઉમેદવારે હિન્દુ વસ્તી ધરાવતા વોર્ડમાં મેળવી જીત
ભાજપના મુસ્લિમ ઉમેદવાર મુમતાઝે ત્રિશૂર કોર્પોરેશનની ચૂંટણીમાં કન્નનકુલંગારા વોર્ડ જીતીને કોંગ્રેસ પાર્ટી પાસેથી બેઠક આંચકી લીધી છે. મુમતાઝે કોર્પોરેશનના 35માં ડિવિઝનમાંથી જીત મેળવી હતી, જે બહુમતી હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે. તે અને તેમનો પરિવાર છેલ્લા આઠ વર્ષથી ભાજપ સાથે કાર્યકરો અને સમર્થકો તરીકે જોડાયેલા છે. છેલ્લા બે વર્ષમાં, તેમને પક્ષના લઘુમતી પાંખમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનું નેતૃત્વ તેમણે ચેન્નઈમાં કર્યું છે.
આઠ વર્ષથી ભાજપમાં સક્રિય
ભાજપ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, મુમતાઝ ત્રિશૂરમાં પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવાની દુકાન ચલાવે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, વિકાસ માટેના વડાપ્રધાન મોદીના વિઝનને કારણે તે ભાજપ સમર્થક બન્યા હતા.
આ પણ વાંચોઃ ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ
નોંધીનીય છે કે, મુમતાઝે પોતાના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સિંધુ ચક્કોલાયિલને હરાવ્યા હતા. જ્યારે તાજેતરમાં ભાજપની ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું આઠ વર્ષથી પાર્ટી માટે કામ કરી રહી છું. ભલે મારો બિઝનેસ હોય કે પછી જીવન, હું સમાજ માટે સક્રિય રૂપે જોડાયેલી રહુ છું.'
કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો
કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી ચાર જીતી છે, જ્યારે ડાબેરી મોરચા અને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધને એક-એક મ્યુનિસિપલ કોર્પોરેશન જીતી છે. આ જીત પર, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) માં વિશ્વાસ દર્શાવવા બદલ કેરળના લોકોને સલામ કરી અને પરિણામોને નિર્ણાયક અને પ્રોત્સાહક જનાદેશ ગણાવ્યા. તે જ સમયે, રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (સીપીઆઈ-એમ) ની આગેવાની હેઠળના એલડીએફને હરાવ્યું, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45 વર્ષના સતત ડાબેરી શાસનનો અંત લાવ્યો. ભાજપે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના 101 માંથી 50 વોર્ડ જીત્યા.


