ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો
Gaya International Airport Code Controversy : બિહારના ‘ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ માટે ઉપયોગમાં લેવાતા આંતરરાષ્ટ્રીય કોડ ‘ગે’ (GAY) અંગે રાજ્યસભામાં ભાજપના સાંસદ ભીમ સિંહે વાંધો વ્યક્ત કર્યો હતો. ભીમ સિંહે આ અંગે માગ કરી હતી કે, ‘સરકારે આ કોડ બદલીને કંઇક વધુ સન્માનજનક અને સાંસ્કૃતિક રીતે યોગ્ય કોડ રાખવા મુદ્દે વિચાર કરવો જોઇએ.’
‘લોકો ગે શબ્દને અપમાનજનક માને છે’
ભાજપ સાંસદે કહ્યું કે, ‘લોકો ગે શબ્દને અપમાનજનક માને છે. ગયા એક પવિત્ર શહેર છે. એટલે લોકોને આ યોગ્ય નથી લાગતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગયાને ‘ગે’ જેવા શબ્દોથી ઓળખવામાં આવે.’ આ સવાલના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, ‘આ કોડ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશલન એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા અપાયું છે. જે સામાન્ય રીતે કોઇપણ સ્થળના શરૂઆતના 3 અક્ષરથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આવા કોડ સ્થાયી હોય છે. જેને માત્ર કોઇ અસામાન્ય સંજોગોમાં જ બદલી શકાય છે.’
ભાજપ સાંસદે કોડ બદલવાની માંગ કરી
સાંસદ ભીમ સિંહે રાજ્યસભામાં દલીલ કરી હતી કે આ કોડ "સામાજિક અને સાંસ્કૃતિક રીતે અપમાનજનક અને અસહજ" છે. તેમણે આ કોડને બદલીને વધુ "આદરપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે યોગ્ય" કોડ આપવાની માંગ કરી હતી. આ મામલે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લેખિત જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે IATA દ્વારા એકવાર ત્રણ-અક્ષરના કોડ ફાળવવામાં આવે પછી તે કાયમી માનવામાં આવે છે. આ કોડ માત્ર અસાધારણ સંજોગોમાં જ બદલી શકાય છે, જેમાં મુખ્યત્વે હવાઈ સલામતી સંબંધિત ચિંતાઓ હોય. મંત્રીએ વધુમાં જણાવ્યું કે એરપોર્ટના નામ પરથી જ આ કોડ અપાય છે, જે આ કિસ્સામાં ગયા (Gaya) ના પ્રથમ ત્રણ અક્ષરો છે.