હિન્દુત્વના સમર્થક અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, નડ્ડાની મંજૂરી
Telangana News : હિન્દુત્વના સમર્થક કહેવાતા તેલંગાણાના ગોશામહલના ભાજપ ધારાસભ્ય ટી. રાજા સિંહનું ભાજપે રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ તેમના રાજીનામાને તાત્કાલીક મંજૂરી આપી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે શુક્રવારે (11 જુલાઈ) ટી.રાજા સિંહને આપેલા સત્તાવાર પત્રમાં આ માહિતી આપી છે.
ટી.રાજાની વિચારધારા પાર્ટીના સિદ્ધાંતો વિરુદ્ધ : ભાજપ
ભાજપે પાઠવેલા પત્રમાં કહેવાયું છે કે, ‘ટી.રાજા સિંહે તેલંગણા રાજ્યના ભાજપ અધ્યક્ષ જી.કિશન રેડ્ડીને 30 જૂનના રોજ રાજીનામું આપ્યું હતું, તેના સંદર્ભમાં આ પત્ર જારી કરવામાં આવ્યો છે. ટી. રાજાએ પત્રમાં જે વાતો પાર્ટીની કાર્યપ્રણાલી, વિચારધારા ને સિદ્ધાંતો સાથે મેળ ખાતી નથી. તેથી આપનું રાજીનામું તાત્કાલીક સ્વીકારવામાં આવે છે.’ ટી. રાજા હંમેશા વિવાદીત નિવેદનો અને હિન્દુત્વ સમર્થક વલણના કારણે ચર્ચામાં રહે છે.
રામચંદર રાવને અધ્યક્ષ બનાવાતા ટી. રાજાને વાંધો પડ્યો
વાસ્તવમાં ભાજપે રામચંદર રાવને અધ્યક્ષ બનાવતા ટી. રાજા નારાજ થયા હતા અને તેમણે 30 જૂને રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શન લખ્યું હતું કે, ‘મૌનને સહમતિ સમજવી નહીં. હું માત્ર મારા માટે નહીં, પરંતુ એવા અસંખ્ય કાર્યકરો અને મતદારો વિશે બોલી રહ્યો છું, જેઓ અમારા પર વિશ્વાસ ધરાવે છે. તેઓ અમારી સાથે ઊભા હતા અને હવે નિરાશ થયા છે.’
આ પણ વાંચો : ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી,જુઓ VIDEO
ટી. રાજા પ્રદેશ અધ્યક્ષ બનવા માંગતા હતા
ગોશામહલના ધારાસભ્યે ભાજપના હાઇકમાન્ડને થોડા દિવસ પહેલાં જ એક વીડિયો મેસેજ મારફત પ્રદેશ પ્રમુખ બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘પક્ષના અનેક કાર્યકરો મને ફોન કરીને પ્રદેશ પ્રમુખ પદ સંભાળવા અપીલ કરી રહ્યા છે. તેથી હું પક્ષના હાઈકમાન્ડને અરજ કરી રહ્યો છું કે, તેઓ મને આ પદ સોંપે. હું પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષની અંદર એક સમર્પિત ગોરક્ષા વિંગની સ્થાપના કરીશ. ગોરક્ષા માટે કામ કરતાં કાર્યકારોની ઢાલ બનીશ. ભાજપનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડીશ. પક્ષની ઓળખ એક હિન્દુત્વ સંગઠનના રૂપે સ્થાપિત કરવા પર પણ ભાર મૂકીશ.’
ધારાસભ્યએ ભાજપમાં આંતરિક ડખાનો કર્યો આક્ષેપ
રાજા સિંહે એવું પણ કહ્યું હતું કે, ‘પક્ષમાં અમુક નેતાઓ અંગત સ્વાર્થ માટે કેન્દ્રીય હાઇકમાન્ડને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પડદાની પાછળ રહી તેઓ પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. તેલંગાણામાં એવા કેટલાય વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો છે, જે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકે છે. પરંતુ અમુક લોકોના સ્વાર્થના કારણે હાઇકમાન્ડ ગેરમાર્ગે દોરાયું છે.’ તેલંગાણાના પ્રદેશ પ્રમુખ જી. કિશન રેડ્ડીને સંબોધતા સિંહે નિવેદન આપ્યું હતું કે, ‘પૂર્વ વિધાન પરિષદ એન. રામચંદ્ર રાવને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય ફક્ત મારા માટે જ નહીં, પરંતુ લાખો કાર્યકરો, નેતાઓ અને મતદારો માટે આઘાતકારક અને નિરાશાજનક છે. ’