VIDEO: ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી, દંડાથી એકબીજા પર હુમલો
Rajasthan Khatu Shyam Mandir : રાજસ્થાનના સીકરમાં ખાટુશ્યામ મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. અહીં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે મારામારી થઈ છે. અહીં બંને પક્ષોએ એકબીજા પર દંડાથી હુમલો કર્યો છે. ઘટનામાં મહિલાઓને પણ દંડા મારવામાં આવ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો છે. વીડિયોમાં મહિલાઓ પર પણ દંડાથી હુમલો કરવા આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. એવું કહેવાય છે કે, વરસાદ પડી રહ્યો હોવાના કારણે શ્રદ્ધાળુઓ દુકાનમાં આશરો લઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ બંને પક્ષના લોકો અચાનક સામે મારામારી પર ઉતરી આવ્યા હતા.
વરસાદથી બચવા દુકાનનો આશરો લીધો
પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારે સવારે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે મધ્યપ્રદેશથી આવેલા ઘણા ભક્તો વરસાદથી બચવા માટે નજીકની દુકાનો તરફ દોડી ગયા હતા. આ દરમિયાન એક પરિવાર નજીકની દુકાનમાં આશ્રય લેવા પહોંચ્યો હતો. જે મામલો વાંધો પડતા દુકાનદારો તેઓને બહાર જતા રહેવા કહ્યું હતું. વરસાદને કારણે પરિવારે થોડી રાહ જોવાની વિનંતી કરી હતી. જોકે દુકાનદારોએ તેઓની વાત સાંભળી નહીં અને ધક્કામુક્કી શરૂ કરી દીધી હતી, ત્યારબાદ મામલો એટલો ઉગ્ર થઈ ગયો કે બંને પક્ષો સામસામે ડંડાથી મારામારી પર ઉતરી આવ્યા હતા.
વાઇરલ વીડિયોમાં બર્બરતાનું દ્રશ્ય
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બર્બરતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે પક્ષો સામસામે એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. મારામારી વખતે વચ્ચે મહિલા આવતા લોકો તેને પણ દંડા મારી રહ્યા છે. તો મહિલા પણ દંડા મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જે પણ વચ્ચે પડે છે, તેના પર પણ હુમલો થતો જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને વાઇરલ વીડિયોમાં સામેલ લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.
અગાઉ પણ મંદિર પરિસરમાં થઈ હતી મારામારી
અગાઉ પણ ખાટુશ્યામ મંદિરના પરિસરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાલુઓ પર દંડાથી હુમલો કરાયો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. મંદિર સમિતિએ મારમારીની ઘટના બાબતે નોંધ લેવાની વાત કરી હતી. જોકે હવે ફરી આવી ઘટના સામે આવી છે. આ વખતે શ્રદ્ધાળુઓ અને દુકાનદારો વચ્ચે મારામારી થઈ છે.