PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ
Delhi High Court On PM's Degree: દિલ્હી હાઈકોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા બાબતે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)નો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર 27 ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. વિગતવાર ચુકાદો હજી જાહેર થયો નથી.
સીઆઈસીએ 2016માં આરટીઆઈ કાર્યકર નીરજ કુમાર, મોહમ્મદ ઈર્શાદ સહિત આરટીઆઈના વિવિધ અરજદારોને દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ 1978 દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા બેચલર ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓની માહિતીનું નિરીક્ષણ કરવા મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ બેન્ચમાં બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સીઆઈસીના આ આદેશને દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જાન્યુઆરી, 2017ના રોજ હાઈકોર્ટે સીઆઈસીના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
જિજ્ઞાસાના આધારે વિગતો જાહેર કરી શકાય નહીં
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટી તરફથી દલીલ કરી હતી કે, યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓની ડિગ્રી, માર્ક, ઉત્તરવહીઓ સહિતની શૈક્ષણિક વિગતો કાયદા અને નીતિમત્તાના વિશ્વાસ સાથે પોતાની પાસે રેકોર્ડમાં રાખે છે. જેને ત્રીજા પક્ષની જિજ્ઞાસાના આધારે આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર કરી શકાય નહીં. જેમાં આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ જાહેર હિત પણ નથી. જ્યારે કલમ 8 (1) (ઈ) અને (જે) હેઠળ આ પ્રકારની વિગતોમાં જાહેર હિત ન હોય તો તેને જાહેર કરવામાંથી મુક્તિ મળે છે.
આરટીઆઈ અરજદારોના વકીલે કરી આ દલીલ
આરટીઆઈના અરજદારો તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને શાદાન ફરાસત દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વ્યક્તિના પરિણામ સંબંધિત માહિતી જાહેર કરવાથી જાહેર હિત થાય છે અને યુનિવર્સિટીઓ 'વિશ્વાસુ ક્ષમતા'માં વિદ્યાર્થીની ડિગ્રી સંબંધિત માહિતી રાખતી નથી. હેગડેએ કહ્યું કે 'ચૂંટાયેલા કાર્યાલયો' મતદારોને નિર્ણય લેવા સક્ષમ બનાવવા નેતા-ઉમેદવારોની સંપત્તિ જેવી ઘણી માહિતી જાહેર કરવાની તરફેણ કરે છે અને શૈક્ષણિક લાયકાત પણ તે જ શ્રેણીમાં આવે છે. CICનો આદેશ RTI કાયદા હેઠળ સંપૂર્ણ રીતે સમાવિષ્ટ હતો અને તે ભૂલભરેલો નહોતો.