PM-CMને હટાવવાના બિલ મુદ્દે વિપક્ષને ફરી ઝટકો, તૃણમૂલ-સપા બાદ ઉદ્ધવનો પણ જેપીસીને ટેકો નહીં
Another Setback For The Opposition: વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની ધરપકડ અને 30 દિવસ જેલમાં રહેવા પર પદ પરથી હટાવવાના બિલને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાના પ્રસ્તાવને ઝટકો લાગ્યો છે. વિપક્ષી પાર્ટીઓમાં આ સમિતિને લઈને મતભેદો ઉભા થયા છે. તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બાદ હવે શિવસેના (ઉદ્ધવ જૂથ) એ પણ આ સમિતિથી હાથ પાછા ખેંચી લીધા છે. ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે રવિવારે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલને લોકશાહીને કચડીને આગળ ધપાવવાનો આરોપ લગાવ્યો હતો.
સંજય રાઉતનો વિરોધ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સંજય રાઉતે સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલને સંસદીય સમિતિમાં મોકલવાના પ્રસ્તાવને નાટક ગણાવ્યું હતું. તેમણે લખ્યું કે, 'મોદી સરકાર લોકશાહી અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કચડી નાખવા માટે 130મો બંધારણ સુધારો બિલ લઈને આવી છે. આ બિલની સમીક્ષા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ માત્ર એક નાટક છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ કરે છે કે, શિવસેના આવી કોઈપણ JPCમાં ભાગ લેશે નહીં.'
તૃણમૂલ કોંગ્રેસે કર્યો હતો વિરોધ
નોંધનીય છે કે, આ બિલ પર સંયુક્ત સમિતિમાં ભાગ લેવાનો વિરોધ સૌથી પહેલા તૃણમૂલ કોંગ્રેસે કર્યો હતો. આવી સ્થિતિમાં તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું કે તે તેમાં ભાગ નહીં લેશે. પરંતુ ગઈકાલે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ તેના સાંસદોને JPCમાં મોકલવાનો ઈનકાર કર્યો ત્યારે વિપક્ષને વધુ ઝટકો લાગ્યો હતો.
આ બિલનો વિચાર જ ખોટો છે
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આ બિલ અંગે કહ્યું કે, 'આ બિલનો વિચાર જ ખોટો છે, જેમણે આ બિલ રજૂ કર્યું છે (ગૃહમંત્રી અમિત શાહ), તેમણે ખુદ એ વાત સ્વીકારી છે કે, તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કોઈ પણ ખોટો કેસ કરી શકે છે તો પછી આ બિલનો મતલબ શું?'
JPCની ઉપયોગીતા પર સવાલ
આ ઉપરાંત ડેરેક ઓબ્રાયન જેવા વરિષ્ઠ નેતાઓએ JPCની ઉપયોગીતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, '2014 પહેલા JPC ને જાહેર હિત અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત પદ્ધતિ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ હવે તેની ભૂમિકા ઘણી હદ સુધી પોકળ બની ગઈ છે. સરકારોએ તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવાનું શરૂ કરી દીધું છે.'
આ પણ વાંચો: નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે
તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં બંધારણ (130મો સુધારો) બિલ 2025 રજૂ કર્યું હતું. આ બિલ પ્રમાણે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ જેવા પદ પર રહેનાર વ્યક્તિ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો તેને પદ પરથી હટાવી દેવામાં આવશે. બિલ રજૂ કરતી વખતે વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. એક સાંસદે તો બિલની નકલ ફાડીને કેન્દ્રીય ગૃહમંત્રી પર ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ બિલને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારા) બિલ, 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025 સાથે સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું છે.