NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDAમાં ખેંચતાણ સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની સાથી પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ અને યુપી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરે (OP Rajbhar) બિહારમાં 153 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. પાર્ટીએ 47 ઉમેદવારોની યાદી જાહેર પણ કરી દીધી છે. રાજભર પોતે સ્વીકારી રહ્યા છે કે તેમના આ પગલાથી એનડીએને નુકસાન થઈ શકે છે.
3-4 બેઠકો મળે તો ઉમેદવારો પાછા ખેંચી લેવા તૈયાર
રાજભરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘જો બિહારમાં ભાજપ અમારી પાર્ટીને 3-4 બેઠકો આપશે તો અમે અમારા તમામ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાંથી હટાવી દઈશું. બિહાર ભાજપને ડર હતો કે જો મારી પાર્ટી જીતી જશે, તો તેમણે સુભાસપાને NDA સરકારમાં જગ્યા અને કેટલાક વિભાગો ફાળવવા પડશે, જેના કારણે અમને ગઠબંધનમાં જગ્યા આપવામાં આવી નથી.’
આ પણ વાંચો : બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો
ભાજપે વચનો પૂરા ન કર્યા
રાજભરે નારાજગી વ્યક્ત કરી છે કે, ‘ગયા વર્ષે બિહાર વિધાનસભાની પેટાચૂંટણીમાં અમારી પાર્ટીએ તરારી અને રામગઢ જેવી બેઠકો ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ ભાજપે ઉમેદવારો પાછા ખેંચવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે ‘રાજ્ય આયોગોમાં સમાયોજિત’ કરવાનું વચન આપ્યું હતું. તેથી અમે તે વખતે ઉમેદવારો પાછા ખેંચી લીધા હતા, પરંતુ તે વચનો પૂરા કરાયા નથી.’
અમને અનેક વર્ગનું સમર્થન : સુભાસપા
સુભાસપાનો દાવો છે કે, ‘અમારી પાર્ટીના કાર્યકર્તાઓ બિહારમાં જમીની સ્તરે કામ કરી રહ્યા છે. અમને બિહારમાં 4.2 ટકા વસ્તી ધરાવતા રાજભર, રજવાર, રાજવંશી અને રાજઘોષ જેવા અન્ય પછાત વર્ગના સમૂહોનું બહોળું સમર્થન મળેલું છે. આ વોટબેંકને કારણે જ સુભાસપાએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, જે BJP અને સહયોગીઓને નુકસાન પહોંચાડી શકે છે.’ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, બિહારમાં અમારી પાર્ટીની લડાઈથી એનડીએ ગઠબંધનને કોઈ અસર નહીં થાય.
આ પણ વાંચો : VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ