બિહારના એક્ઝિટ પોલમાં NDA જીતની ભવિષ્યવાણી પર RJDએ કહ્યું - અમને તો 'એક્ઝેટ પોલ પર વિશ્વાસ'

Bihar Election Results Exit Polls: બિહાર ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બંને તબક્કામાં બમ્પર મતદાન થયું છે અને બિહારના તમામ રૅકોર્ડ તૂટી ગયા છે. કુલ 66.90% મતદાન થયું. હવે 14 નવેમ્બરે મતગણતરી થશે અને જાણ થશે કે, બિહારમાં કોની સરકાર આવી રહી છે. આ દરમિયાન તમામ એજન્સીઓએ એક્ઝિટ પોલ આપવાનું શરુ કરી દીધું છે. જેમાં NDA પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. મેટરાઇઝ-IANS, પીપુલ પલ્સ, પીપુલ્સ ઇનસાઇટ, ચાણક્ય, પોલસ્ટ્રેટ, જેવીસી પોલ્સ અને દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલમાં એનડીએને 145 બેઠકો મળી રહી છે. વળી, મહાગઠબંધનને 91 અને અન્યના ખાતામાં 5 બેઠકો જોવા મળી રહી છે. ફક્ત Journo Mirrorના એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને બહુમત મળશે તેવો દાવો કરાયો છે. જોકે, સાચું પરિણામ તો 14 નવેમ્બરે જ સામે આવશે. આ દરમિયાન મતગણતરીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલ પર રાજકીય પ્રતિક્રિયા
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ પર મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું કે, હું બિહાર, જે લોકતંત્રની જનની છે, દરેક નાગરિકનો આભાર વ્યક્ત કરું છું કે, તેમણે એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની ડબલ એન્જિન સરકારને વિકાસની રફતાર વધારવાની તક આપી છે.
જેડીયુની પ્રતિક્રિયા
એક્ઝિટ પોલ પર જેડીયુ નેતા નીરજ કુમારે કહ્યું કે, એક્ઝિટ પોલને એગ્ઝેક્ટ (Exact) પોલ કહીને કોઈ દાવો ન કરી શકાય. પરંતુ, મતદારોનું વલણ એ સ્પષ્ટ કરે છે કે, બિહારમાં ફરી નીતિશ કુમારના નેતૃત્વમાં NDAની સરકાર બનશે. મહિલાઓના મતની ટકાવારી સૌથી વધુ રહી અને મહિલાઓ સૌથી વધુ નીતિશ કુમારને આશિર્વાદ આપે છે. વિપક્ષ રાજકીય રૂપે દિવ્યાંગ બનવાનું છે. તેજસ્વી યાદવના નેતૃત્વમાં સતત પરાજય થઈ રહ્યો છે. આ જ સ્થિતિ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રહી, 2020ની વિધાનસભા ચૂંટણીમાં રહી અને 2024ની ચૂંટણીમાં પણ રહી. નીતિશ કુમારનું કામ બોલી રહ્યું છે. પરંતુ, એવા લોકો આરોપ લગાવી રહ્યા છે જેના પર 4 રાજ્યોમાં કેસ દાખલ છે.
એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથીઃ RJD
RJD નેતા મૃત્યુંજય તિવારીએ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ પર કહ્યું કે, એક્ઝિટ પોલ તો અનેકવાર ચૂંટણીમાં ખોટું પૂરવાર થયું છે. કાલે જે એક્ઝિટ પોલ આવ્યા છે, તેને અમે નકારીએ છીએ અને જે 'એક્ઝેક્ટ પોલ' છે જનતાનો, જ્યાં જનતાએ બિહારના ભવિષ્ય અને બિહારમાં બદલાવ માટે મતદાન કર્યું છે, તે 14 નવેમ્બરે જોવા મળશે, આ એક્ઝિટ પોલનો કોઈ વિશ્વાસ નથી. આવું કોના ઈશારે કરવામાં આવે છે તે પણ લોકો જાણે છે. મહાગઠબંધન 200 પાર જઈ રહ્યું છે.
2010થી બહેતર હશે 2025માં NDAનું પ્રદર્શનઃ અશોક ચૌધરી
બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલ્સ પર પ્રતિક્રિયા આપતાં બિહાર સરકારમાં મંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ચૌધરીએ કહ્યું કે, એક્ઝિટ પોલ તો એ જ બતાવશે જે જનતાનું વલણ છે. અમે પણ અનેક વિધાનસભાની મુલાકાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, ચોંકાવનારા પરિણામ આવશે. 2010માં NDAનો જે સ્ટ્રાઇક રેટ હતો તેનાથી પણ બહેતર દેખાવ રહેશે.
એક્સિસ માય ઇન્ડિયા અને ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ આજે આવશે
બિહાર ચૂંટણીની આગાહી કરતી બે મુખ્ય એજન્સીઓના એક્ઝિટ પોલ આજે જાહેર થશે. જેમાં એક્સિસ માય ઇન્ડિયા અને ટુડે ચાણક્યનો સમાવેશ થાય છે. અગાઉ, P-Marq, Peoples Pulse, DV Research, Matrize IANS, Chanakya, Poll Diary અને Praja Poll Analytics દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ
શું કહે છે પોલ ઑફ પોલ્સના આંકડા?
જો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાની સરેરાશ કાઢીએ તો NDAને 146, મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે. જ્યારે પ્રશાંત કિશોરની જન સુરાજ માત્ર શૂન્યથી બે બેઠકોમાં સમેટાઈ શકે છે. અન્યના ખાતામાં પાંચ જેટલી બેઠકો જઈ શકે છે.
બીજા તબક્કામાં રૅકોર્ડબ્રેક મતદાન
બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકાથી વધુ મતદાન થયું. બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રૅકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે.

બિહારમાં કયા પક્ષે કેટલી બેઠકો પર ચૂંટણી લડી?
NDA
- ભારતીય જનતા પાર્ટી- 101
- જનતા દળ યુનાઇટેડ- 101
- લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)- 28
- હિન્દુસ્તાની આવામ મોરચા- 6
- રાષ્ટ્રીય લોક મોરચા- 6
મહાગઠબંધન
- રાષ્ટ્રીય જનતા દળ- 143
- કોંગ્રેસ- 61
- કોમ્યુનિસ્ટ પાર્ટી (માલે)- 20
- વિકાસશીલ ઇન્સાન પાર્ટી- 12
- કોમ્યુનિસ્ટ પાર્ટી- 9
- કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)- 4

