બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મહિલાઓએ મતદાનના ઈતિહાસની નવી ગાથા લખી છે. રાજ્યમાં બે તબક્કાના મતદાનમાં ન ફક્ત રેકોર્ડબ્રેક મતદાન થયું, પરંતુ મહિલાઓની ભાગીદારીના મામલે પુરૂષો પાછળ રહી ગયા છે. બંને તબક્કામાં કુલ મળીને 71.06 ટકા એટલે કે, 3.51 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. આ ગત ચૂંટણીની તુલનામાં આશરે 10 ટકા વધુ છે. બીજી બાજુ પુરૂષોમાં 62.8 ટકા એટલે કે, 3.93 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે, મહિલા અને પુરૂષ મતદાનમાં આશરે 9 ટકા (8.8%)નું અંતર જોવા મળ્યું છે.
આ પણ વાંચોઃ 'નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત...', દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો
રાજ્યમાં કુલ 66.91% મતદાન સાથે 1951થી અત્યાર સુધીનો સૌથી હાઇ વોટિંગ રેકોર્ડ બન્યો છે. પહેલા તબક્કામાં 69.04% મહિલાઓ અને બીજા તબક્કામાં 74.03% મહિલાઓએ મતદાન કરીને જોયું તો બિહારની 'નારી શક્તિ' હવે ફક્ત દર્શક નહીં, પરંતુ ચૂંટણીનું ગણિત બદલનાર સંભવિત ગેમચેન્જર બની ચુકી છે.
બે તબક્કામાં 71 ટકા મહિલાઓએ મતદાન કર્યું
બિહારમાં બે તબક્કામાં 6 નવેમ્બર અને 11 નવેમ્બરે મતદાનમાં નારી શક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પુરૂષોને પાછળ છોડી દીધા છે. બંને તબક્કામાં 71.06 ટકા એટલે કે, 3,51,45,791 મહિલાઓએ મતદાનમાં ભાગ લીધો. આ અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે અને ગત વખત કરતા 10 ટકા વધુ છે.
પુરૂષોની વાત કરીએ તો બંને તબક્કામાં 3,93,79,366એ મતદાન કર્યું. એટલે કે કુલ 62.8 ટકા પુરૂષોએ મતદાનમાં ભાગ લીધો. આ આંકડો પણ છેલ્લાં બે દાયકામાં સૌથી વધુ છે. જોકે, 1990ના દાયકાના મતદાનથી ઓછું છે.
9 ટકા ઓછું રહ્યું પુરૂષોનું મતદાન
- આંકડા અનુસાર, પુરૂષ મતદારોની ભાગીદારી મહિલા મતદારોની સરખામણીએ 9 ટકા (8.8%) ઓછી રહી. મહિલા અને પુરૂષોની વચ્ચે મતદાનમાં 42,33,575 મતોનું અંતર રહ્યું.
- પહેલા તબક્કાના મતદાનની વાત કરીએ તો 69.04 ટકા એટલે કે, 1,76,77,219 અને બીજા તબક્કામાં 74.03 ટકા એટલે કે, 1,74,68,572 મહિલાઓએ મતદાન કર્યું.
- પુરૂષોની વાત કરીએ તો પહેલાં તબક્કામાં 61.56 ટકા એટલે કે, 1,98,35,325 અને બીજા તબક્કામાં 64.1 ટકા એટલે કે, 1,95,44,041 મતાધિકારનો પ્રયોગ કર્યો.
આ પણ વાંચોઃ બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન
કેટલા મહિલા-પુરૂષોએ કર્યું મતદાન?
- કુલ મતદારોની વાત કરીએ તો પહેલાં તબક્કામાં 3,75,13,302 મહિલા-પુરૂષોએ મતદાનમાં ભાગ લીધો. એટલે કે, પહેલાં તબક્કામાં 65.08 ટકા મતદાન થયું. બીજા તબક્કામાં 3,70,13,556 મહિલા-પુરૂષોએ મતદાન કર્યું અને 68.76% મતદાન થયું.
- કુલ 7,45,26,858 લોકોએ મતદાનમાં ભાગ લીધો અને બંને તબક્કામાં કુલ 66.91 ટકા મતદાન થયું. જોકે, આ આંકડા અંતિમ નથી અને તેમાં બેલેટ પેપરનો સમાવેશ કરાયો નથી.
8.5 લાખથી વધુ કર્મચારી મેદાને ઉતર્યા
બિહારમાં બે તબક્કામાં થયેલા મતદાનમાં 8.5 લાખથી વધુ મતદાન સંબંધિત કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવી હતી. 2616 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા અને 1.4 લાખથી વધુ મતદાન એજન્ટ બનાવવામાં આવ્યા. 243 સામાન્ય નિરીક્ષકો, 38 પોલીસ નિરીક્ષકો અને 67 ખર્ચ નિરીક્ષકો ચૂંટણી સંચાલન અને દેખરેખ માટે જવાબદાર ચૂંટણી તંત્રનો ભાગ હતા.
આ વર્ષે પહેલીવાર, આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (IEVP- International Election Visitors' Programme) હેઠળ, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, બેલ્જિયમ અને કોલંબિયા સહિત છ દેશોના 16 પ્રતિનિધિઓએ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે બિહારની મુલાકાત લીધી. પ્રતિનિધિઓએ બિહારની ચૂંટણીઓની પ્રશંસા કરી, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી સુવ્યવસ્થિત, પારદર્શક, કાર્યક્ષમ અને સહભાગી ચૂંટણીઓમાંની એક ગણાવી.

