Get The App

દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા!

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા! 1 - image

 

Delhi Car Blast News : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 8ની ઓળખ થઈ ગઈ છે, પરંતુ દિલ્હી પોલીસ અને NIA સહિતની તપાસ એજન્સીઓ માટે બાકીના બે મૃતદેહની ઓળખ કરવી એક મોટો પડકાર બની ગયો છે. આ મૃતદેહો એવી સ્થિતિમાં છે કે તેમની ઓળખ પરંપરાગત પદ્ધતિઓથી લગભગ અશક્ય છે. આ બંને મૃતદેહ ક્ષતવિક્ષત છે, જે આતંકીઓના હોવાની પણ શક્યતા હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં, બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર મનાતો આતંકી ડૉ. ઉમર મોહમ્મદ જીવિત છે કે મૃત્યુ પામ્યો છે, તે એક મોટું રહસ્ય બની ગયું છે.

ઓળખનો પડકાર અને DNA ટેસ્ટ 

તપાસ એજન્સીઓ માટે બે મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે. એક મૃતદેહ એવો છે જેનું માથું જ નથી, જ્યારે બીજો મૃતદેહ માત્ર શરીરના કેટલાક અંગ(પેટનો ભાગ અને કપાયેલી આંગળીઓ)ના રૂપમાં મળ્યો છે. આ કારણે, હવે તપાસ એજન્સીઓ પાસે DNA ટેસ્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

ડૉ. ઉમરની માતાના DNA સેમ્પલ લેવાશે 

આ રહસ્ય ઉકેલવા માટે, તપાસ એજન્સીઓએ આ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર ડૉ. ઉમર મોહમ્મદની માતાનું DNA સેમ્પલ લીધું છે. આ સેમ્પલને ઘટનાસ્થળેથી મળેલા શરીરના અજાણ્યા ટુકડાઓ સાથે મેચ કરવામાં આવશે. જો DNA મેચ થશે, તો તે પુષ્ટિ થશે કે ડૉ. ઉમર મોહમ્મદ પણ આ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.

શું અકસ્માત હતો કે વિસ્ફોટ? 

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પ્રારંભિક તપાસ મુજબ, આ બ્લાસ્ટ ‘ભૂલથી’ થયો હોઈ શકે છે. એજન્સીઓનું માનવું છે કે જ્યારે ફરીદાબાદમાં એક આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો, ત્યારે ડૉ. ઉમર ગભરાઈ ગયો અને ઉતાવળમાં બનાવાયેલા એક્સપ્લોઝિવ ડિવાઇસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો. આ ઉતાવળમાં જ કદાચ અકસ્માતે વિસ્ફોટ થઈ ગયો.

કારમાં હુમલાખોર એકલો હતો! 

CCTV ફૂટેજથી સ્પષ્ટ થયું છે કે બ્લાસ્ટ સમયે i20 કારમાં ડૉ. ઉમર મોહમ્મદ એકલો જ હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કાર જમીનથી ઘણા ફૂટ ઉપર ઉછળી ગઈ હતી અને નજીકની પોલીસ ચોકીની દીવાલ અને છતને પણ નુકસાન થયું હતું.

બ્લાસ્ટ પહેલા શું કરી રહ્યો હતો ડૉ. ઉમર? 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. ઉમર ફરીદાબાદમાં તેના સાથીઓની ધરપકડના સમાચાર મળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી સુનહરી મસ્જિદની પાર્કિંગમાં પોતાની કારમાં બેસીને ઇન્ટરનેટ પર અપડેટ્સ સર્ચ કરતો રહ્યો હતો. એજન્સીઓએ તેની કારના 11 કલાકના રૂટને ટ્રેસ કરવામાં સફળતા મેળવી છે.

બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 8 લોકોની ઓળખ થઈ 

મોહસીન, મેરઠ નિવાસી

અશોક કુમાર, બસ કંડક્ટર, અમરોહા

લોકેશ, અમરોહા

દિનેશ મિશ્રા, શ્રાવસ્તી

પંકજ, ઓલા-ઉબર ડ્રાઇવર

અમર કટારિયા, શ્રીનિવાસપુરી

નૌમાન અંસારી, રિક્ષાચાલક

મોહમ્મદ જુમ્માન, રિક્ષાચાલક


Tags :