‘અત્યાર સુધીમાં 95 ચૂંટણી હાર્યા, ગણતરી ચાલુ છે’ બિહારમાં પ્રચંડ જીત બાદ ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્ષ

BJP, Congress, AAP Reaction On Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએએ બહુમતી સાથે શાનદાર જીત મેળવી છે. NDAને સાથી પક્ષો ભાજપ, જનતા દળ યુનાઈટેડ અને ચિરાગ પાસવાની LJPRPએ પણ દમદાર પ્રદર્શન કર્યું છે. આ પ્રચંડ જીત બાદ ભાજપ નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.
વધુ એક ચૂંટણી, વધુ એક હાર : અમિત માલવિયા
ભાજપ નેતા અમિત માલવિયા (Amit Malviya)એ રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી ! વધુ એક ચૂંટણી, વધુ એક હાર! જો ચૂંટણીમાં અવિરતતા હાર માટે કોઈ પુરસ્કાર હોત તો, તમે તે પુરસ્કારો જીતી જાત. પરાજય પણ વિચારતો હશે કે, તેઓ પરાજયને આટલી મજબૂતીથી કેવી રીતે શોધી લે છે.’
સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ કવિ કબીર દાસના દોહાનો સહારો લઈ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલયા કોઈ, જો મન ખોજા અપના, તો મુજસે બુરા ન કોઈ.’ તેમણે કોંગ્રેસને પરિણામની સચોટતાની ખાતરી કરવા માટે મતદાર યાદીઓની ચકાસણી કરવાનો પણ આગ્રહ કર્યો છે.
જવાહરલાલ નેહરુજીના જન્મદિવસે ચૂંટણી હાર્યા : પ્રદીપ ભંડારી
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારી (Pradeep Bhandari)એ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી નંબર વન છે. 95 ચૂંટણી હાર્યા છે અને ગણતરી ચાલુ છે. આ કોઈ સંયોગ નથી કે, આ જવાહરલાલ નેહરુજીના જન્મદિવસ પર થાય છે.’
આ પણ વાંચો : બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? 'નવા' ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા
સુશાસન અને વિકાસની જીત : કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya)એ કહ્યું કે, ‘મતગણતરીના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે, બિહારની જનતાનો મિજાજ સ્પષ્ટ છે. ન જંગલ રાજ, ન કટ્ટર રાજ, ન ગુંડારાજ, ન તુષ્ટિકરણ, ન પરિવારવાદ, ન કૌભાંડો, ન ભ્રષ્ટાચાર, ન અહંકાર અને ન જાતિવાદ... બિહાર માત્ર સુશાસન, વિકાસ અને પારદર્શી નેતૃત્વને જ સ્વીકારે છે.’
વિપક્ષે હારનું ઠીકરું ચૂંટણી પ્રક્રિયા પર ફોડ્યું
વિપક્ષોએ ચૂંટણીના પરિણામોને ચૂંટણી કાવતરું ગણાવ્યું છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (ECI Chif Gyanesh Kumar) અને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડા (Pawan Khera)એ કહ્યું કે, ‘શરૂઆતના વલણો દર્શાવે છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બિહારની જનતાની ઈચ્છા વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આ લડાઈ ફક્ત ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચેની નથી, આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચેની સીધી ટક્કર છે.’
ચૂંટણી પ્રક્રિયાનું અપહરણ કરાયું : સંજય સિંહ
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે (Sanjay Singh) ચૂંટણી પ્રક્રિયાનું અપહરણ કરાયું હોવાનો દાવો કર્યો છે. તેમણે SIR સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘અમે પહેલા પણ કહ્યું હતું કે, આ ચૂંટણીને હાઈજેક કરાઈ છે. આ ચૂંટણીનો કોઈ અર્થ નથી. જ્ઞાનેશ કુમારે પહેલાથી જ મોદીજીને બિહારમાં જીતનું પ્રમાણપત્ર આપી દીધું છે. રાજ્યમાં 80 લાખ મતદારો હટાવાવા છે, પાંચ લાખ ડુપ્લિકેટ વોટ છે અને એક લાખ અજાણ્યા મતદારો છે, તો પછી રાજ્યનું પરિણઆમ શું હશે?
આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

