બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા

Bihar Election Result 2025 : બિહાર વિધાનસભની ચૂંટણમાં ભાજપ 84 તો જેડીયુએ 80 બેઠકો પર આગળ રહી શાનદાર દેખાવ કરીને આગળ વધી છે. અત્યાર સુધીના વલણો મુજબ ભાજપ-જેડીયુ સહિતના NDA ગઠબંધને 192 બેઠકો પર લીડ મેળવી લીધી છે. રાજ્યમાં NDAને સફળ થવા પાછળ ભાજપની વ્યૂહનીતિએ મોટી ભૂમિકા નિભાવી છે. રાજ્યમાં મોદી-નીતિશની જોડીએ દમદાર માહોલ ઊભો કરતાં એનડીએ સિતારો ફરી ચમકી ઉઠ્યો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, NDAને જીત અપાવવામાં ધર્મેન્દ્ર પ્રધાને પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ભાજપના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રધાને ભાજપને બિહારમાં નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાનને ભાજપે સપ્ટેમ્બરમાં બિહારના પ્રભારી બનાવ્યા હતા.
NDAને જીત અપાવવામાં ધર્મેન્દ્ર પ્રધાનની મહત્ત્વની ભૂમિકા
ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ધર્મેન્દ્ર પ્રધાન અને બિહાર વચ્ચે જૂના સંબંધો છે. પ્રધાનને વર્ષ 2012માં બિહાર રાજ્યસભાના સભ્ય બનાવાયા હતા. ત્યારથી તેઓ રાજ્યના રાજકારણ અને ભાજપ સંગઠનમાં ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી છે અને સંગઠનને મજબૂત કરવામાં પણ યોગદાન આપ્યું છે. તેઓ રાજ્યસભાના કારણે બિહાર સાથે જોડાયેલા રહ્યા છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પણ સંબંધો મજબૂત બનાવ્યા છે.
આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનનો ચૂંટણી રૅકોર્ડ
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં ધર્મેન્દ્ર પ્રધાનને માત્ર નંદીગ્રામ બેઠકની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં મમતા બેનર્જીને હાર જોવાની નોબત આવી હતી.
- ઉત્તરાખંડ 2017 અને ઉત્તર પ્રદેશ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે ભાજપને વધુ બેઠકો અપાવવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી.
- ઓડિશા વિધાનસભા ચૂંટણી-2024માં ભાજપે પ્રથમવાર જીત મેળવીને સરકાર બનાવી, જેમાં પ્રધાનની વ્યૂહરચના મહત્ત્વની સાબિત થઈ હતી.
- હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં ભાજપ વિરોધી લહેર હતી. રાજ્યમાં ભાજપ માટે અનેક પડકારો પણ હતા, જોકે તેમ છતાં પ્રધાનની ભૂમિકાના કારણે ભાજપ સરકાર બનાવી શકી હતી.
આ પણ વાંચો : 'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ

