બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય

Mokama Election Result 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હત્યાના કેસમાં જેલમાં ધકેલાયેલા JDUના નેતા અનંત સિંહની મોટી જીત થઈ છે. અનંત સિંહ જનતા દળ યુનાઇટેડ તરફથી મોકામા બેઠક પરના ઉમેદવાર છે અને તેમણે આરજેડીના મહિલા ઉમેદવારને મોટી હાર આપી છે. મોકામામાં અનંત સિંહ સામે રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના ઉમેદવાર વીણા દેવી ચૂંટણી મેદાનમાં હતા. જેમાં અનંત સિંહે વીણા દેવીને 28 હજાર મતોથી હરાવીને ફરી જીત મેળવી છે. અનંત સિંહને 91416 મત મળ્યા છે, જ્યારે વીણા દેવીને 63210 મત મળ્યા છે. મોકામા બેઠક બાહુબલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક જનતા દળ યુનાઇટેડની પરંપરાગત બેઠક છે, જેના પર પાર્ટીએ ફરી જીત મેળવી છે.
મોકામામાં હત્યાના વિવાદમાં અનંત સિંહ જેલમાં
ઉલ્લેખનીય છે કે, 30 ઑક્ટોબરે મોકામામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જન સુરાજ પાર્ટીના સમર્થક દુલાર ચંદનું મોત થયું હતું. હત્યાનો આરોપ બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર અનંત સિંહ તથા તેમના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. કારણ કે દુલારચંદ યાદવ અને અનંત સિંહ એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતા. ઘટનામાં બિહાર પોલીસે અનંત સિંહની ધરપકડ કરી હતી, જેઓ હાલ જેલમાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુલારચંદ યાદવના શરીર પર ગોળી અને ઈજાના નિશાન મળ્યા છે. આ મામલે અનંત સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. દુલારચંદ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના સમર્થક હતા. RJD ઉમેદવાર વીણા દેવીના કાફલા પર પણ પથ્થરમારાની ઘટના થઈ ચૂકી છે.
આ પણ વાંચો : બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? 'નવા' ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા
ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 92 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 82 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 21 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 25, કોંગ્રેસ પાંચ, સીપીઆઇએમએલએલ ત્રણ, સીપીઆઇએમ એક બેઠક પર આગલ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.
આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

