મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું

Tej Pratap Yadav On Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત થઈ છે, જ્યારે મહાગઠબંધનની શરમજનક હાર થઈ છે. હવે આ મામલે જનશક્તિ જનતા દળ (JJD)ના અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે મહાગઠબંધનની હાર અને ભાઈ તેજસ્વીની પાર્ટી આરજેડીની હાર પર કટાક્ષ કર્યો છે.
મહાગઠબંધનની હારથી તેજ પ્રતાપ ખુશ
ચૂંટણીમાં મહાગઠબંધનની હાર થતા તેજ પ્રતાપ યાદવ ખુશ થયો છે. તેમણે જેજેડીના ફેસબુક પેજ પર લખ્યું છે કે, ‘અમારી હારમાં પ્રજાની જીત છુપાયેલી છે, અમે હારીને પણ જીતી ગયા છીએ, કારણ કે બિહારે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, હવે રાજકારણ પરિવારવાદનું નહીં, પરંતુ સુશાસન અને શિક્ષણનું હશે.’
‘બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ ખતમ થઈ જશે’
તેજ પ્રતાપે આરજેડીની શરમજનક હાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘આરજેડીની હાર એ જયચંદોની હાર છે. મેં પહેલા જ કહ્યું હતું કે, બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ ખતમ થઈ જશે, જે આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું હારીને પણ જીત્યો છું, કારણ કે, પ્રજાનો પ્રેમ, વિશ્વાસ અને આર્શિવાદ મારી સાથે છે. સત્ય કડવું છે, આ જયચંદોએ આરજેડીને અંદરથી ખોખલું કરી નાખ્યું, બરબાદ કરી નાખ્યું, તેથી જ તેજસ્વી આજે ફેલ થઈ ગયા છે.’
મારા દરવાજા જનતા માટે હંમેશા ખુલ્લા રહેશે
JJD અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે ભાવુક થઈને કહ્યું કે, ‘જે લોકો પોતાની ખુરશી અને રાજનીતિ બચાવવા માટે પોતાના જ ઘરમાં આગ લગાવે છે, ઈતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે. હું વારંવાર કહું છું કે, જનતા મા-બાપ છે, પ્રજાનો નિર્ણય યોગ્ય છે. હાર અને જીત અલગ-અલગ વસ્તુઓ છે, પણ પાકો ઈરાદો અને પ્રયાસ જ સાચી જીત છે. હું મહુઆની જનતા સાથે કરેલા વાયદા પૂરા કરવા સતત પ્રયાસ કરતો રહીશ. ભલે હું ધારાસભ્ય બનું કે ન બનું, મારા દરવાજા જનતા માટે હંમેશા ખુલ્લા રહેશે.’
આ પણ વાંચો : બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? 'નવા' ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા
NDA સરકારની પ્રશંસા કરી
તેજ પ્રતાપ યાદવે NDA સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, ‘બિહારે સુશાસનની સરકાર પસંદ કરી છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. સફળ વડાપ્રધાન અને વિશ્વના મજબૂત નેતા નરેન્દ્ર મોદીજીની પર્સનાલિટી અને જાદુઈ લીડરશીપના કારણે જ એનડીએને જીત મળી છે. પ્રજાએ નીતિશ કુમારના સુશાસનનો દિલથી સ્વિકાર કર્યો છે. ભાજપ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના બિહારના ઈન્ચાર્જ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિવસ-રાત મહેનત કર્યા બાદ આ ઐતિહાસિક પરિણામ આવ્યું છે.’
ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને 243 બેઠકોમાંથી બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 91 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 85 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 19 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 24, કોંગ્રેસ છ, સીપીઆઈએમએલએલ 2, સીપીઆઈએમ એક બેઠક અને આઈઆઈપી એક બેઠક પર આગળ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.
આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

