બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDAમાં બેઠક વહેંચણીનો મુદ્દો વધુ પેચીદો બની રહ્યો છે. ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગયા બાદ કેટલાક સાથી પક્ષો નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ગઠબંધનના મોટા સાથી પક્ષ ભાજપ અને જનતા દળ યુનાઇટેડ (JDU) એ રવિવારે સત્તાવાર રીતે બેઠક વહેંચણીની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં સાથી પક્ષોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ચિરાગે JDUની પરંપરાગત બેઠકો માંગી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી LJP(R) દ્વારા જેડીયુની કેટલીક વર્તમાન અને મહત્વની બેઠકો પર દાવો કરવામાં આવતા ગઠબંધનમાં ગૂંચવાળો ઉભો થયો છે. ચિરાગે જે બેઠકો માંગી છે, તે બેઠકો JDUની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે.
ચિરાગે JDUની ચાર બેઠકો પર કર્યો દાવો
ચિરાગે જેડીયુને અપાયેલી જે બેઠકો પર દાવો કર્યો છે, તેમાં રાજગીર, સોનબરસા, મોરવા અને તારાપુર બેઠકનો સમાવેસ થાય છે. રાજગીર જેડીયુની સિટિંગ સીટ છે, સોનબરસા બેઠક જેડીયુ માટે ઘણી સંવેદનશીલ છે, કારણ કે અહીંથી વર્તમાન મંત્રી રત્નેશ સાદા ધારાસભ્ય છે અને જેડીયુ તેમને ટિકિટ પણ આપી ચૂકી છે, તેથી જેડીયુ આ બેઠક ચિરાગ પાસવાનને આપવા તૈયાર નથી. જેડીયુ મોરવા સીટ પણ ચિરાગને આપવા માંગતી નથી. જોકે JDU 2020ની ચૂંટણીમાં આ બેઠક હારી ગઈ હતી. તારાપુરની વાત કરીએ તો આ બેઠક જેડીયુનો ગઢ બની ગયો હોય તેવું સામે આવ્યું છે. આ બેઠક જેડીયુ 2020થી જીતતી આવી છે, તેથી આ બેઠક પણ ચિરાગને આપવી અશક્ય છે.
સીટ ન અપાતા NDAના વધુ એક સાથી પક્ષ નારાજ
બેઠક વહેંચણીથી નારાજ થયેલા સાથી પક્ષોમાં સુહલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર નો સમાવેશ થાય છે, જેમને બિહારમાં એક પણ બેઠક ન મળતા તેમણે NDA સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે. તેમણે ભાજપ પર 'ગઠબંધન ધર્મ'નું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે.
NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા
NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.
આ પણ વાંચો : NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..








