NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..

Om Prakash Rajbhar Threatened To Break Alliance With NDA: સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે NDA સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં NDA પાસે 4-5 બેઠકોની માગ કરી છે. ઓમ પ્રકાશ રાજભરનું કહેવું છે કે, અમારી પાર્ટીને બિહારમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક નથી આપવામાં આવી. તેમણે આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી છે. રાજભરે આરોપ લગાવ્યો કે, ભાજપ 'ગઠબંધન ધર્મ'નું પાલન નથી કરી રહ્યું.
153 બેઠકો પર લડીશું ચૂંટણી
ઓમ પ્રકાશ રાજભરે આગળ કહ્યું કે, 'સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી બિહારમાં એક મોરચો બનાવશે અને તમામ બેઠકો પર ચૂંટણી લડશે. હવે સુભાષપા બિહાર ચૂંટણી પોતાના દમ પર લડવાનું વિચારી રહી છે. અમે એક મોરચો બનાવીશું અને ત્યાં ચૂંટણી લડીશું. અત્યાર સુધીમાં પાર્ટીએ પ્રથમ તબક્કાની 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થશે. અમે 153 બેઠકો પર ચૂંટણી લડીશું. બિહાર ભાજપના નેતાઓ ગઠબંધન ધર્મનું પાલન કરવાનું નથી જાણતા, બિહારના ભાજપા નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને ખોટું ફીડબેક આપ્યું છે. તેની સજા બિહારના લોકોને મળશે. અમે અમારા ગઠબંધન ધર્મનું પાલન કરવા માટે તૈયાર છીએ. હજુ પણ થોડો સમય છે. જો તમે અમને તમારી સાથે રાખવા માંગતા હોય તો અમને 4-5 બેઠકો આપી દો.'
આ પણ વાંચો: દિગ્ગજ ભાજપ નેતાને રાજીનામું આપવાની ઇચ્છા, કહ્યું- મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ
NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા
તમને જણાવી દઈએ કે, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NDAએ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.