NDAમાં બેઠક મુદ્દે કોકડું ગૂંચવાયું! માંઝી અને કુશવાહાના કારણે પેચ ફસાતાં ઉમેદવારોની જાહેરાત મોકૂફ

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDAમાં બેઠક વહેંચણી મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. NDAના સાથી પક્ષો દ્વારા રવિવારે બેઠકોની વહેંચણી કરી દેવાયા બાદ કેટલાક સાથી પક્ષો નારાજ થયા છે, જેમાં સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા પણ બેઠક વહેંચણીને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરવાના હતા, જોકે બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરવાનું ટાળી વાળ્યું છે.
માંઝી-કુશવાહા પ્રેસ કોન્ફરન્સ કરવાના હોવાની JDUની ટ્વિટ ડિલીટ
જનતા દળ યુનાઈટેડ (JDU)એ ટ્વિટ કરીને કહ્યું હતું કે, માંઝી (Jitan Ram Manjhi) અને કુશવાહા (Upendra Kushwaha) પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જોકે હવે જેડીયુની ટ્વિટ પણ ડિલીટ થઈ ગઈ છે. NDAએમાં પરસ્પર સંમતી મળ્યા બાદ બેઠકોની વહેંચણી થઈ હોવાના સાથી પક્ષોએ દાવા કર્યા હતા. માંઝી સિવાય તમામ નેતાઓએ એક જ પ્રકારના ટ્વિટ કર્યા હતા. જોકે ત્યારબાદ માંઝીએ કહ્યું કે, અમને મળેલી બેઠકોથી અમે સંતુષ્ઠ છીએ, પરંતુ ઓછી બેઠક મળવાનું નુકસાન એનડીએએ ભોગવવું પડશે. એટલું જ નહીં કુશવાહાએ પણ શેર-શાયરીઓ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો : NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..
NDAના ઉમેદવારો 15થી 18 ઑક્ટોબરમાં ઉમેદવારી નોંધાવશે
બેઠક વહેંચણીના વિવાદો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેદાનમાં આવી ગયા છે અને તેઓ તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. બીજીતરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે જાહેરાત કરી છે કે, એનડીએના તમામ ઉમેદવારો 15થી 18 ઑક્ટોબરમાં ઉમેદવારી નોંધાવી દેશે.
બેઠકો ન મળતાં ઓમ પ્રકાશ રાજભર નારાજ
સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે NDA સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં NDA પાસે 4-5 બેઠકોની માગ કરી છે. ઓમ પ્રકાશ રાજભરનું કહેવું છે કે, અમારી પાર્ટીને બિહારમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક નથી આપવામાં આવી. તેમણે આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી છે. રાજભરે આરોપ લગાવ્યો કે, ભાજપ 'ગઠબંધન ધર્મ'નું પાલન નથી કરી રહ્યું.
NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા
NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.
આ પણ વાંચો : બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો