RJD ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી, બેઠકમાં હારના કારણોની સમીક્ષા

Bihar RJD Meeting : બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ને મળેલી કારમી હારના માત્ર ત્રણ દિવસ બાદ પાર્ટીએ હારની સમીક્ષા કરવા અને આગામી વ્યૂહરચના નક્કી કરવા માટે સોમવારે ધારાસભ્ય દળની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિપક્ષના નેતા ચૂંટવામાં આવ્યા છે.
તેજસ્વી યાદવના નિવાસસ્થાને યોજાઈ બેઠક
પટનામાં તેજસ્વી યાદવ(Tejashwi Yadav)ના સરકારી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં જીતેલા અને હારેલા બંને ધારાસભ્યોને આમંત્રણ અપાયું હતું. આ દરમિયાન પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, મીસા ભારતી અને વરિષ્ઠ નેતા જગદાનંદ સિંહ સહિત તમામ સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા.
ચાર કલાક સુધી હારની સમીક્ષા ચાલી
આરજેડીની બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી, જેમાં મુખ્યત્વે હારની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણીમાં જમીની સ્તરે શું ભૂલો થઈ તે સમજવા માટે, તેજસ્વી યાદવે દરેક ઉમેદવાર પાસેથી ફીડબેક લીધો હતો. બેઠકમાં ચૂંટણીમાં હારના સંભવિત કારણો, સ્થાનિક અસંતોષ, સંગઠનાત્મક નબળાઈ, બૂથ મેનેજમેન્ટનો અભાવ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
‘EVM સાથે ચેડા કરવામાં આવ્યા’
બેઠક દરમિયાન અનેક ધારાસભ્યોએ બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પરિણામોમાં ગોટાળાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
બેઠક દરમિયાન બિહાર RJDના અધ્યક્ષ માંગની લાલ મંડલે કહ્યું કે, ‘EVM દ્વારા મતની રમત થઈ છે. 10,000 રૂપિયા તો માત્ર આંખમાં ધૂળ નાખવા બરાબર હતા. ચૂંટણી પહેલા ખુલ્લેઆમ પૈસા વહેંચવામાં આવ્યા હતા. નિષ્પક્ષ ચૂંટણી માટે બેલેટ પેપરનો ઉપયોગ થવો જોઈએ.’
બેઠક અંગે આરજેડી નેતા સંજીવ કુમારે કહ્યું કે, ‘એ વાત પર ચર્ચા કરવામાં આવી કે, આ એક અણધારી હાર હતી. EVM સાથે ચેડાં કર્યા વિના આ શક્ય નહોતું. અમે તમામ પુરાવા એકઠા કરીને કોર્ટ કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. લાલુજીએ અમને જનતા સાથે જોડાયેલા રહેવા જણાવ્યું છે.’
ધારાસભ્ય આલોક મહેતાએ કહ્યું કે, ‘ચૂંટણીમાં ગડબડ થઈ છે, એટલે જ આવું પરિણામ આવ્યું છે.’
મટિહાની બેઠક પરથી જીતેલા આરજેડી ધારાસભ્ય બોગો સિંહે ‘મહિલાઓને રૂપિયા 10-10 હજાર’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘NDAને ચૂંટણી વખતે જમીન સરકતી દેખાઈ હતી, તેથી તેઓએ જીવિકા દીદીઓના વોટ ખરીદ્યા છે.’

