VIDEO: આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો
Big Sinkhole In Bangkok : થાઈલૅન્ડમાં સૌથી વ્યસ્ત રસ્તા પર એક ચોંકાવનારી ઘટના બની છે. દેશની રાજધાની બેંગકોકમાં રોડ પર વાહનો દોડી રહ્યા હતા, ત્યારે અચાનક મસમોટો ભૂવો પડ્યો છે. અહીં જોતજોતામાં આખી જમીન સમાઈ જતાં 50 મીટર જેટલો ઊંચો ખાડો પડી ગયો છે, જેના કારણે ભૂવા પાસેની વજીરા હૉસ્પિટલની આસપાસના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરાવાયા છે. જ્યારે ભૂવો પડ્યો ત્યારે કેટલાક વાહનો પણ ઝપેટમાં આવી ગયા હતા, તો કેટલાક વાહનો સુરક્ષિત રીતે ત્યાંથી તુરંત ખસી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભૂવો પડવાની સાથે વીજળીના થાંભલામાં કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે.
ભૂવો પડવાની ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, અહીં ભૂગર્ભમાં રેલવે સ્ટેશનના બાંધકામની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે થોડે દૂર આ મસમોટો ભૂવો પડ્યો છે. આ ભયાનક ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આસપાસની ઇમારતોને પણ જોખમ
હૉસ્પિટલની સામે લગભગ 50 મીટર ઊંડો ખાડો પડી ગયો છે. ઘટના બનતાં જ આસપાસના ફ્લેટમાં રહેતા લોકોને અને હૉસ્પિટલના દર્દીઓને તુરંત સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. આ ઘટના દરમિયાન રોડ પર ઘણા વાહનો હતા, જોકે ભૂવો પડતો જોતાં જ અનેક વાહનો ચાલકો ત્યાંથી તુરંત દૂર ભાગી ગયા હતા. ચિંતાજનક વાત એ છે કે, મસમોટા ખાતામાં આખો રોડ ધસી ગયો છો, એટલું જ નહીં છેક બિલ્ડિંગ સુધી લાંબો ખાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે બિલ્ડિંગના લોકોને તુરંત ત્યાંથી સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.
ગવર્નરે આપ્યા તપાસના આદેશ
બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટિપન્ટે જણાવ્યું કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્રણ વાહનોને નુકસાન થયું છે. હૉસ્પિટલે આગામી બે દિવસ માટે ઓપીડી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગવર્નરે કહ્યું કે, સંબંધિત અધિકારીઓ આ ખાડાને વહેલી તકે રિપેર કરવા માટે કામ કરી રહ્યા છે.