મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન
Bihar Assembly Election 2025 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે સ્પષ્ટ કહ્યું છે કે, મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ અથવા વેબકાસ્ટિંગ ફૂટેજ માત્ર ઉચ્ચ ન્યાયાલયો સાથે જ શેર કરવામાં આવશે. આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ જનતા સાથે શેર કરવાથી મતદારોની ગોપનિયતાનું ઉલ્લંઘન થઈ શકે છે. ચૂંટણી કમિશનરે કહ્યું કે, મતદાનની વેબકાસ્ટિંગ ફૂટેજ ફોર્મ 17A સમાન છે. આ ફોર્મમાં મતદાન કરનારા મતદારોની વિગતો હોય છે અને તેમની ઓળખની સુરક્ષા માટે તેને રાજકીય પક્ષો સાથે પણ શેર કરવામાં આવતું નથી.
ફૂટેજ માત્ર કોર્ટના આદેશથી ઉપલબ્ધ કરાશે
બિહાર વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જો કોઈ વિશેષ ચૂંટણીના પરિણામ સામે ચૂંટણી અરજી દાખલ કરવામાં આવે, તો જ આ ફૂટેજ હાઈકોર્ટ સાથે શેર કરવામાં આવે છે. ચૂંટણી નિયમો મુજબ ફોર્મ 17A પણ અદાલતો સિવાય અન્ય કોઈની સાથે શેર કરવામાં આવતું નથી.
આ પણ વાંચો : બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી
બિહાર ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા કરાઈ
મુખ્ય ચૂંટણી કમિશનરે બિહાર વિધાનસભા ચૂંટણી વ્યવસ્થા અંગે કહ્યું કે, ચૂંટણી માટે કુલ 90,712 મતદાન કેન્દ્રો બનાવવામાં આવશે. દિયારા વિસ્તારમાં આવેલા ઓછામાં ઓછા 250 મતદાન કેન્દ્રો પર પેટ્રોલિંગ માટે પોલીસ ઘોડાનો ઉપયોગ કરાસે. 197 મતદાન કેન્દ્રો સુધી પહોંચવા માટે મતદાન દળ બોટનો ઉપયોગ કરશે. આગામી ચૂંટણી માટે મતદાન કેન્દ્રો પર મોબાઇલ ફોન જમા કરાવવા માટે કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે.
બિહારમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી
બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઇલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઑક્ટોબરના બુધવારે થશે. 24 ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો : માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ... ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet?
અગાઉ 2020માં ત્રણ તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી
અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.
બિહારમાં કુલ 7.43 કરોડ મતદાર
ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે. જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.
આ પણ વાંચો : મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો