Get The App

મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો 1 - image


Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે પક્ષો-વિપક્ષો દ્વારા હવે ‘રેવડી’નો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી જનતા દળયુ(JDU)ની વાત કરીએ તો આ પાર્ટીએ પણ આ વખતની ચૂંટણીમાં મસમોટી જાહેરાતો કરી છે. જેડીયુના વડા અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અંગે એવું કહેવું છે કે, તેઓ નીતિઓમાં માને છે, રેવડિયો વહેંચવામાં માનતા નથી. જોકે આ વખતની ચૂંટણીમાં નીતીશ કુમારે અનેક મોટી જાહેરાત કરી છે.

ચૂંટણી સમીકરણ બદલાયા, પક્ષોની નીતિ પણ બદલાઈ

સીએમ નીતિશની નીતિઓ અંગે વાત કરીએ તો આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ બિહાર વિધાનસભા બજેટ શરુ થયા પહેલા જેડીયુના એક પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે, શું નીતીશ સરકાર મહિલાઓ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે? તો તેમણે કહ્યું હતું કે, અમારા નેતા (નીતીશ) નીતિઓ પર વિશ્વાસ કરે છે, રેવડી વહેંચવામાં માનતા નથી.

જોકે હવે રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે. બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતીશ કુમાર મુખ્યમંત્રી છે. 2005થી સતત સત્તામાં રહેનાર નીતીશ સરકારે અગાઉની ચૂંટણીઓમાં ક્યારે મોટી મોટી જાહેરાતો કરી નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમણે અનેક જાહેરાતો કરી નાખી છે, જેને ‘ચૂંટણી રેવડી’ અથવા ‘ફ્રીબિઝ’ કહેવામાં આવી રહી છે.

નીતીશ સરકારની મહત્ત્વની 'ચૂંટણીલક્ષી' જાહેરાતો

  • જૂનથી ઑક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં નીતીશ સરકારે 15થી વધુ મોટી જાહેરાતો કરી છે, જેનો મુખ્ય લક્ષ્ય મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગને સાધવાનો પ્રયાસ છે. સરકારની મહત્ત્વની જાહેરાતોની વાત કરીએ તો,
  • મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓને રોજગાર શરુ કરવા માટે પ્રથમ સહાય 10,000 રૂપિયા મળશે, છ મહિના બાદ સમીક્ષા કરાશે, જેમાં બે લાખ રૂપિયાની વધારાની સહાય અપાશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,11,58,840 મહિલાઓએ અરજી કરી છે, જેમાં મહિલાઓને પ્રથમ સહાયની રકમ પણ અપાઈ છે.
  • મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધોને મળતી પેન્શનની રકમ રૂપિયા 400થી વધારીને રૂપિયા 1100 કરવામાં આવી.
  • ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવાની ઘોષણા
  • આશા, આંગણવાડી, મમતા, રસોઈયા અને અન્ય સ્કીમ વર્કર્સનું મહેનતાણુ વધારવું.
  • બેરોજગાર સ્નાતક યુવાનોને બે વર્ષ સુધી દર મહિને રૂપિયા 1000 મળશે.
  • નવા નોંધાયેલા વકીલોને દર મહિને રૂપિયા 5000નું સ્ટાઇપેન્ડ.
  • સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળનું લોન વ્યાજમુક્ત
  • રાજ્યની તમામ પરીક્ષાઓમાં માત્ર પ્રાથમિક પરીક્ષામાં જ રૂપિયા 100નું ફી લાગુ પડશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં કોઈ ફી લાગુ નહીં પડે.
  • વરિષ્ઠ અને આર્થિક રીતે નબળા કલાકારોને દર મહિને રૂપિયા 3000નું પેન્શન

આ પણ વાંચો : બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી

બિહાર પર 3,48,370 કરોડનું દેવું

કોઈ પણ યોજના કે જાહેરાતમાં સૌથી મહત્ત્વનો સવાલ એ હોય છે કે આ જાહેરાત પાછળ ખર્ચાનારો પૈસો ક્યાંથી આવશે? રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ રૂપિયા 3 લાખ 16 હજાર કરોડનું હતું. માર્ચમાં બજેટની જાહેરાત પછી, જુલાઈમાં મોન્સૂન સત્રમાં રજૂ કરાયેલા પહેલા પૂરક (સપ્લિમેન્ટરી) બજેટમાં વધુ રૂપિયા 58 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પૂરક બજેટ ત્યારે રજૂ કરવામાં આવે છે, જ્યારે નાણાંકીય બજેટમાં નક્કી કરેલ રકમ વધારવાની હોય કે પછી નવી જરૂરિયાતને પૂરી કરવા માટે નાણાંકીય જોગવાઈ કરવાની હોય.

બિહારના દેવાની વાત કરીએ તો, આર્થિક સર્વેક્ષણ મુજબ, રાજ્યમાં વર્ષ 2024-25નું કુલ બાકી દેવું રૂપિયા 3,48,370 કરોડ રહેવાનો અંદાજ છે. સાથે જ વર્ષ 2025-26માં રૂપિયા 55,737 કરોડની લોન લેવાનો પ્રસ્તાવ છે. એટલે કે, આ પરિસ્થિતિમાં રાજ્ય પર કુલ બાકી દેવું રૂપિયા 4,04,107 કરોડનું થશે. આ દેવાનું વ્યાજ આ નાણાકીય વર્ષમાં રૂપિયા 23,013 કરોડ છે, એટલે કે દૈનિક રૂપિયા 63 કરોડ.

‘રાજકોષીય સ્વાસ્થ્ય સૂચકાંક-2025’માં બિહારમાં 13મા ક્રમે

ચોંકાવનારી વાત એ છે કે, એકતરફ નીતીશ કુમારે આ મસમોટી જાહેરાત કરી હતી, તો બીજીતરફ નીતિ આયોગ દ્વારા ‘રાજકોષીય સ્વાસ્થ્ય સૂચકાંક-2025’ જાહેર કરાયો હતો, જેમાં બિહાર છેક 13મા ક્રમે હતું. એટલે કે રાજ્ય સરકારની આવક ઓછી હતી અને ખર્ચ વધુ હતો. આ સૂચકાંક રાજ્યોના વર્ષ 2023ના પરફોર્મન્સના આધારે જાહેર કરાયો હતો. આમાં રાજ્યની આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત છે. આ ઉપરાંત બિહાર મહેસૂલ એકઠું કરવામાં સૌથી પાછળ છે.

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

બિહાર વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે  બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઑક્ટોબરના બુધવારે થશે. 24 ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો : કટકમાં ભારેલો અગ્નિ: ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ હવે 36 કલાકનું કરફ્યુ, શાંતિ જાળવવા અપીલ

Tags :