કટકમાં ભારેલો અગ્નિ: ઇન્ટરનેટ પર પ્રતિબંધ બાદ હવે 36 કલાકનું કરફ્યુ, શાંતિ જાળવવા અપીલ
Odisha Violent Protests: ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ તંગદિલી વધી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વહીવટીતંત્ર દ્વારા શહેરમાં 36 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 163 હેઠળ આ કરફ્યુ છઠ્ઠી ઑક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી સાતમી ઑક્ટોબરના રોજ સવારે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે.
કેવી રીતે ફાટી નીકળી હિંસા?
અહેવાલો અનુસાર, શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) રાત્રે હાટી પોખરી વિસ્તારમાં વિસર્જન શોભાયાત્રા દરમિયાન મોટા અવાજમાં સંગીત વગાડવાને કારણે હિંસાની શરુઆત થઈ હતી. જો કે, રવિવારે VHPની મોટરસાયકલ રેલીએ વહીવટી આદેશોનો ભંગ કરતા ફરી હિંસા ભડકી ઊઠી હતી. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ રેલીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિરોધીઓ હિંસક બન્યા હતા. ટોળાએ પથ્થરમારો કર્યો, આગચંપી કરી અને દુકાનો તેમજ સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રબર બુલેટ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ અથડામણમાં આઠ પોલીસકર્મીઓ સહિત કુલ 25 લોકો ઘાયલ થયા છે.
કરફ્યુના નિયમો અને આવશ્યક સેવાઓ
પોલીસ કમિશ્નર નરસિંહ ભોલાએ કરફ્યુના નિયમોની સ્પષ્ટતા કરી છે. કરફ્યુ દરમિયાન તમામ વ્યાપારી સંસ્થાઓ બંધ રહેશે. જોકે, આવશ્યક સેવાઓ જેમ કે હૉસ્પિટલો, શાળાઓ, કૉલેજો, ફાર્મસીઓ, કરિયાણાની દુકાનો અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. કરફ્યુથી પ્રભાવિત મુખ્ય વિસ્તારોમાં દરગાહ બજાર, મંગલાબાગ, પુરીઘાટ, લાલ બાગ અને જગતપુરનો સમાવેશ થાય છે.
સુરક્ષા દળો તહેનાત
કટકમાં શાંતિ જાળવવા માટે 60 પોલીસની ટીમ તહેનાત કરવામાં આવી છે. સંવેદનશીલ સ્થળો અને આંતરછેદો પર રેપિડ એક્શન ફોર્સ (RAF), BSF, CRPF અને ઓડિશા સ્વિફ્ટ એક્શન ફોર્સની આઠ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ઓડિશાના ડીજીપી યોગેશ બહાદુર ખુરાનિયાએ જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સત્તાવાર પોલીસ વેબસાઇટ પરથી જ માહિતી મેળવવાની વિનંતી કરી છે. તેમણે ખાતરી આપી છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને હિંસામાં સામેલ તમામ અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.