સામાન્ય જનતાને મોટી રાહત : સસ્તા ભાવે મળશે ડુંગળી, સરકારે શરૂ કરી 'કાંદા એક્સપ્રેસ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Govt To Sell Onions At Rs 35 Per Kg: દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના ભાવ અચાનક વધીને ₹60થી ₹70 પ્રતિકિલો સુધી પહોંચી ગયા છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતા લગભગ અડધા ભાવે, એટલે કે ₹35 પ્રતિ કિલોના દરે ડુંગળી વેચવાની જાહેરાત કરી છે.
'કાંદા એક્સપ્રેસ' દ્વારા શહેર-શહેરમાં સપ્લાય
જે વિસ્તારોમાં ડુંગળીના રિટેલ ભાવ ઝડપથી વધ્યા છે, ત્યાં સમયસર અને સસ્તા દરે ડુંગળી પહોંચાડવા માટે સરકારે ભારતીય રેલવેની મદદ લીધી છે. મહારાષ્ટ્રના નાસિક(સરકારી બફર સ્ટોક)થી સ્પેશિયલ માલગાડીઓ એટલે કે 'કાંદા એક્સપ્રેસ' દ્વારા ડુંગળીનો મોટો જથ્થો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો છે. ભાવ પર અંકુશ મેળવવા માટે કાંદા એક્સપ્રેસનો પહેલો જથ્થો ચેન્નાઈ, મદુરાઈ, એર્નાકુલમ (કોચિન) અને ગુવાહાટી મોકલવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આશરે 800 મેટ્રિક ટન ડુંગળી લઈને બીજી કાંદા એક્સપ્રેસ ટૂંક સમયમાં દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય મુખ્ય શહેરોમાં પહોંચશે.
ક્યાં અને કેવી રીતે મળશે ₹35 કિલો ડુંગળી?
ગ્રાહકો સુધી સસ્તા દરે ડુંગળી પહોંચાડવાની જવાબદારી મુખ્ય સરકારી અને સહકારી એજન્સીઓને સોંપવામાં આવી છે.
નાફેડ(NAFED) અને એનસીસીએફ(NCCF)ની મોબાઇલ વેન દ્વારા.
'ભારત બ્રાન્ડ'ના આઉટલેટ્સ અને કેન્દ્રીય ભંડાર પરથી.
ભાવને કાબૂ કરવા માટે સરકારનો હેતુ
તહેવારોની સીઝનને કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા હતા. ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, સરકાર પાસે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે. માર્કેટમાં સસ્તા દરે સતત ડુંગળી ઉપલબ્ધ કરાવવાથી સંગ્રહખોરી અને કાળાબજારી અટકશે તેમજ સામાન્ય લોકોના રસોડાના બજેટને રાહત મળશે.




