કોટા ચૂંટણીમાં મોટો ખેલ: કોંગ્રેસના 5 નેતાઓનું ક્રોસ વોટિંગ, અધિકારીને લાફો મારનારા ભાજપ નેતા બન્યા મેયર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kota Nagar Palika President Election : રાજસ્થાનના કોટા નગર પાલિકાની પ્રમુખ ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનુસુઈયા ગોસ્વામી કોટાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ મોટા પાયે ક્રોસ વોટિંગ કરતાં આખું ચૂંટણી ગણિત જ બદલાઈ ગયું, અને રાજકીય વર્તુળોમાં આ પરિણામ ચર્ચાનો વિષય બની ગયું છે. નગર પાલિકા ગૃહમાં સભ્યોના મતથી પ્રમુખની પસંદગી કરવામાં આવે છે, અને આ પ્રક્રિયામાં દરેક પક્ષની સંખ્યાબળ પ્રમાણે જીત-હારનું ગણિત પહેલેથી નક્કી મનાતું હોય છે. પરંતુ કોટામાં આ વખતે એ ગણિત સાવ ઊંધું પડી ગયું હતું.
ભાજપે ધાર્યા પણ નહોતા તેવા મત મળ્યાં
ચૂંટણી પહેલાં ભાજપ પાસે કુલ 59 મત હોવાનો અંદાજ હતો, જેમાં પક્ષના પોતાના 57 સભ્યો અને 2 અપક્ષ સભ્યોના ટેકાનો સમાવેશ થતો હતો. પરંતુ મતદાન બાદ પરિણામ આવ્યું ત્યારે ગોસ્વામીને કુલ 65 મત મળ્યા હતા. જેથી સ્પષ્ટ થયું કે, નિર્ધારિત આંકડા કરતાં 6 મત વધુ હતા. આ વધારાના મત સીધા કોંગ્રેસના જૂથમાં પડેલી ફૂટનું પરિણામ મનાય છે. બીજી તરફ કોંગ્રેસની હાલત જોઈએ તો પક્ષ પાસે 39 સભ્યો અને 1 અપક્ષ સભ્યનો ટેકો હતો, એટલે કુલ 40 મત મળવા જોઈતા હતા. પરંતુ વાસ્તવિક મતદાનમાં કોંગ્રેસના ખાતામાં માત્ર 35 મત જ આવ્યા હતા. જેનો અર્થ થાય છે કે, 5 મતની ઘટ પડી. આ તફાવત સ્પષ્ટ દર્શાવે છે કે પક્ષની અંદરથી જ કેટલાક સભ્યોએ ગુપ્ત મતદાનનો લાભ લઈને ભાજપ ઉમેદવારની તરફેણમાં મત આપ્યા હતા.
કોંગ્રેસની આંતરિક નારાજગી ફરી સપાટી પર
રાજકીય નિરીક્ષકોના મતે, આ પ્રકારની ક્રોસ વોટિંગ સ્થાનિક સ્તરે પક્ષ-આંતરિક નારાજગી, ટિકિટ વહેંચણી અંગેના મતભેદ કે વ્યક્તિગત સમીકરણોનું પરિણામ હોઈ શકે છે. કોંગ્રેસ માટે આ ઘટના શરમજનક છે, કારણ કે ગૃહમાં પોતાનું નિર્ધારિત સંખ્યાબળ જાળવી ન શકવું એ પક્ષની આંતરિક એકતા પર સવાલ ઊભા કરે છે.




