ભાજપને મોટો ઝટકો, 2022 ની ચૂંટણીના ફોર્મમાં ગરબડ કરીને જીતનારા ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP MLA Om Kumar Election annulled : ઉત્તરપ્રદેશમાં આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે 2022 ની ચૂંટણીને લઈને મોટો ઘટસ્ફોટ અને ચુકાદો આવ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે બિજનૌરની નહતૌર બેઠક પરથી 2022 માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારનું નિર્વાચન રદ કરી દીધું છે. આ ચુકાદાએ સમગ્ર કાર્યકાળ દરમિયાન સત્તા અને ધારાસભ્યપદ ભોગવ્યા બાદ ન્યાયતંત્રની પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અધૂરા સોગંદનામા છતાં ચૂંટણી લડવા દીધી?
રિટર્નિંગ ઓફિસરની કામગીરી અને ઉમેદવારી પત્રની ચકાસણી પર સૌથી મોટો સવાલ ઊભો થયો છે. આરોપ મુજબ, Form-26 ના સોગંદનામામાં પાછલા પાંચ નાણાકીય વર્ષ (2017-18 થી 2021-22) ની આવકની વિગતો ફરજિયાત હતી. આમ છતાં ઓમ કુમારે માત્ર 2021-22 ની આવક (1,45,81,059 રૂપિયા) દર્શાવીને 2017-18 થી 2020-21 સુધીના ચાર વર્ષના કોલમ ખાલી છોડી દીધા હતા. આટલી મોટી ક્ષતિ હોવા છતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર કેવી રીતે સ્વીકાર્યું, તે અંગે તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.
શાસનનો લાભ લીધા બાદ 2027 પહેલાં નિર્ણય
2022 માં 14 ફેબ્રુઆરીએ મતદાન અને 10 માર્ચે પરિણામ જાહેર થયા બાદ ઓમ કુમાર માત્ર 258 મતના સામાન્ય અંતરથી (77,935 મત વિરુદ્ધ 77,677 મત) વિજેતા બન્યા હતા. હવે જ્યારે 2027 ની નવી ચૂંટણી નજીક છે અને ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. વિપક્ષ અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો શરૂઆતમાં જ કડક કાર્યવાહી થઈ હોત તો પરિસ્થિતિ જુદી હોત, પરંતુ લાંબા સમય સુધી પદ અને સત્તાનો લાભ લેવાયો.
મતદારોના અધિકાર પર તરાપ અને તંત્રની બેદરકારી
ન્યાયમૂર્તિ સલિલ કુમાર રાયે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 19(1)(એ) હેઠળ મતદારોને ઉમેદવારની નાણાકીય પૃષ્ઠભૂમિ જાણવાનો મૂળભૂત અધિકાર છે. સોગંદનામામાં વિગતો છુપાવવી એ ગંભીર ભૂલ છે અને તેનાથી ચૂંટણી પરિણામ પર સીધી અસર પડી છે. ચૂંટણી અધિકારી દ્વારા ચેકલિસ્ટમાં ફોર્મ સાચું ગણવાના બચાવને પણ કોર્ટે ફગાવી દીધો હતો.
15 દિવસની આંશિક રોક, મતદાન અને નાણાકીય લાભ પર પ્રતિબંધ
હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને આ નિર્ણયની જાણ ભારતના ચૂંટણી પંચ અને યુપી વિધાનસભા અધ્યક્ષને કરવા આદેશ આપ્યો છે. સાથે જ 15 દિવસની આંશિક રોક લગાવતી વખતે સ્પષ્ટ કરાયું છે કે આ સમયગાળા દરમિયાન તેઓ ગૃહમાં મતદાન કરી શકશે નહીં કે ધારાસભ્ય તરીકે કોઈ નાણાકીય લાભ મેળવી શકશે નહીં.




