Bangladesh Border News : પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢી મુકવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેની અસર પણ જોવા મળી રહી છે. બંગાળમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ થાય તે પહેલા જ તેઓ સરહદે પહોંચી ગયા છે. છેલ્લા બે દિવસથી બંગાળમાં બાંગ્લાદેશની સરહદ પાસે અનેક લોકો એકઠા થયા છે, તેઓ પોતાના દેશ બાંગ્લાદેશ પરત જવા સરહદે એકઠા થયા છે. જિલ્લા સ્તરે હોલ્ડિંગ સેન્ટરો ખોલવા અને ઘૂસણખોરો સામે કાર્યવાહીના નિર્ણય વચ્ચે ડરને પગલે હવે ઘૂસણખોરો પરત ભાગવા લાગ્યા છે.
બંગાળની ભાજપ સરકારના મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ ડિટેક્ટ, ડિલિટ એન્ડ ડિપોર્ટ એટલે કે પકડો, દસ્તાવેજોમાંથી દૂર કરો અને દેશ નિકાલ કરોની આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. જેને પગલે હાલમાં સમગ્ર બંગાળમાં પોલીસ દ્વારા ઠેરઠેર તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ સરહદે અલગ જ દ્રશ્યો જોવા મળી રહી છે. હાથમાં બેગ, સુટકેસ, રસોઇનો સામાન, વાસણો વગેરે સાથે અનેક લોકો બાંગ્લાદેશ તરફ આગળ વધતા જોવા મળ્યા છે.
બાંગ્લાદેશ સરહદ પાસે હકીમપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફની ચેકપોઇન્ટ પાસે આશરે 100 જેટલા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ એકઠા થયા હતા, આ તમામ લોકો સરહદ પાર કરીને બાંગ્લાદેશ જવા માગે છે. કેટલાક લોકોએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો સરકાર અમને રહેવા દેવાની છૂટ ના આપતી હોય તો પછી પરત જવા સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી રહેતો, જે પણ લોકો બાંગ્લાદેશ સરહદ પાસે એકઠા થયા છે તેઓ નજીકના વિસ્તારો જેમ કે દુમદુમ, ન્યૂ ટાઉન અને દાનકુની વગેરે વિસ્તારોમાં મજૂરી કામ કરતા હતા અને વર્ષોથી અહીંયા જ રહેતા હતા. કેટલાક લોકો સ્થાનિકોના ઘરોમાં પણ કામ કરી આપતા હતા.
આ પહેલા પશ્ચિમ બંગાળમાં જ્યારે એસઆઇઆર એટલે કે મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પણ બાંગ્લાદેશ સરહદ પાસે અનેક લોકો જોવા મળ્યા હતા. તે સમયે પણ આ જ હકીમપુર ચેકપોસ્ટ પર અનેક લોકો એકઠા થયા હતા અને સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત જવા દેવાની માગ કરી હતી. મોટાભાગના લોકો બાંગ્લાદેશના સતખિરા, ખુલના જિલ્લાના રહેવાસીઓ છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઘૂસણખોરો દેશ માટે મોટો ખતરો છે, આ સમસ્યાને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જ એક ઉચ્ચસ્તરીય કમિટીની જાહેરાત કરી હતી, હવે આ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દેશમાં જે ડેમોગ્રાફિક ફેરફાર થઇ રહ્યા છે તેના પર નજર રાખશે. કમિટીમાં જસ્ટિસ પ્રકાશ પ્રભાકર (સેવા નિવૃત્ત), પૂર્વ આઇએએસ, આઇપીએસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.


