Get The App

સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 42 ભારતીયના મોતની આશંકા, હેલ્પલાઈન નંબર જાહેર

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત,  42 ભારતીયના મોતની આશંકા, હેલ્પલાઈન નંબર જાહેર 1 - image

Image AI 



Saudi Arab Bus accident : સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે. આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી. આ અકસ્માતનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

ભારતથી ઉમરાહ પઢવા ગયા હતા 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મૃત્યુ પામનારા ભારતીયો ઉમરાહ પઢવા માટે સાઉદી અરબ ગયા હતા. મોટાભાગના લોકો હૈદરાબાદના રહેવાશી હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે તેલંગાણા સરકાર દ્વારા રિયાધમાં આવેલી ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે આ મામલે દિલ્હી સરકારને જાણ કરી દીધી છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસે હેલ્પ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. 

ઓવૈસીએ ઘટનાની કરી પુષ્ટી 

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે જે બસનો ટેન્કર સાથે અકસ્માત થયો તેમાં ઉમરાહ પઢવા જનારા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હતા. આ બસની ટક્કર થયા બાદ તે સળગી ગઈ હતી. આ મામલે તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ઓવૈસીએ રિયાધમાં આવેલી ભારતીય એમ્બેસીમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ માથેન જ્યોર્જ સાથે વાતચીત કરી હતી જેમણે આ ઘટના વિશે તમામ માહિતીઓ એકત્રિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. 

સાઉદી અરબમાં 42 ભારતીયોના મોત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના મદીના નજીક બસ અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે જણાવ્યું કે ભારતીય મિશન, રિયાધમાં દૂતાવાસ અને જિદ્દાહમાં કોન્સ્યુલેટ દ્વારા શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સાઉદી અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે.

તેલંગાણામાં હેલ્પલાઈન નંબર જાહેર 

પીડિતોના પરિજનોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે તેલંગાણાના સચિવાલય દ્વારા કન્ટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે અને આ સાથે હેલ્પલાઈન નંબર 7997959754, 99129 19545 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

વિદેશ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું  

દુર્ઘટનાને ધ્યાનમાં રાખી જિદ્દાહમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરી છે. વાણિજ્ય દૂતાાવાસે એક ટોલ ફ્રી નંબર 8002440003 પર જાહેર કર્યો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ અને જિદ્દાહના વાણિજ્ય દૂતાવાસ પીડિત ભારતીયો અને તેમના પરિવારોને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. હું પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. 




Tags :