Get The App

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ 1 - image


Bangladesh Student Osman Hadi Murder Case : બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશ પોલીસે દાવો કર્યો હતો કે, હાદીનો હત્યારો ભારતમાં છુપાયેલો છે, જોકે કેસના મુખ્ય આરોપી કરીમ મસૂદે વીડિયો સંદેશ જાહેર કરીને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. મસૂદે દાવો કર્યો છે કે, તે હત્યા સમયે ભારતમાં નહીં, પરંતુ દુબઈમાં હતો. આમ મસૂદે બાંગ્લાદેશ પોલીસના દાવાની પોલ ખોલી નાખી છે.

હાદીની હત્યામાં મારો હાથ નથી, મને ફસાવવામાં આવ્યો : મસૂદ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મસૂદ બોલી રહ્યો છે કે, ‘હું ફૈસલ કરીમ મસૂદ છું. હું સ્પષ્ટ કહું છું કે, મારો હાદીની હત્યા કોઈ હાથ નથી. મારી ઉપર કરાયેલા આક્ષેપો સંપૂર્ણ ખોટા છે, મારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારી ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા બાદ મારે દુબઈ ભાગવું પડ્યું છે. મારી પાસે દુબઈનો પાંચ વર્ષનો મલ્ટી-એન્ટ્રી વિઝા છે.’

મસૂદે પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવ્યો

તેણે વીડિયોમાં એવું પણ કહ્યું છે કે, ‘આ કેસમાં કારણવગર મારા પરિવારના લોકોને પણ ફસાવવામાં આવી રહ્યા છે, તેમને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. મારા પરિવારનો હાદીની હત્યા સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં તેમની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે, જેનો હું કડક શબ્દોમાં વિરોધ કરું છું.’

આ પણ વાંચો : ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ

હું હત્યા પહેલા હાદીની ઓફિસમાં ગયો હતો : મસૂદ

ફૈસલ મસૂદે સ્વિકાર કર્યો છે કે, ‘હું હત્યા પહેલા હાદીની ઓફિસમાં ગયો હતો, પરંતુ મેં કામકાજ માટે હાદી સાથે મુલાકાત કરી હતી. હું એક બિઝનેસમેન છું, મારી આઈટી કંપની છે અને હું અગાઉ નાણાં મંત્રાલયમાં કામ કરી ચુક્યો છું. હાદીએ મને નોકરી આપવાનું વચન આપ્યું હતું અને તે માટે મેં પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. આ ઉપરાંત હું હાદીના કાર્યક્રમો માટે અનેકવાર મદદ કરી ચુક્યો છું.’

બાંગ્લાદેશ પોલીસે ભારત પર કર્યો હતો આક્ષેપ

ઉલ્લેખનિય છે કે, ઉસ્માન હાદીની હત્યાની તપાસ કરી રહેલી બાંગ્લાદેશ પોલીસે દાવો કર્યો હતો કે, ફૈસલ મસૂદ અને અન્ય એક આરોપી આલમગીર શેખ ભારત ભાગી ગયા છે. બંને આરોપીઓ મેઘાલયની સરહદ પરથી ભારત જતા રહ્યા છે.’ જોકે ભારતે બાંગ્લાદેશ પોલીસના આક્ષેપને રદીયો આપ્યો છે અને કહ્યું છે કે, આ હત્યાકાંડ મામલે ભારત પર કરાયેલો આક્ષેપ ખોટો અને ભ્રામક કહાની જેવો છે.’

આ પણ વાંચો : New Year 2026: ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ભવ્ય શરૂઆત, આતશબાજી સાથે 2026નું સ્વાગત