New Year 2026 Celebration: વર્ષ 2025ની ખાટી-મીઠી યાદોને વિદાય આપીને સમગ્ર વિશ્વ અત્યારે વર્ષ 2026ના સ્વાગતમાં ડૂબેલું છે. સમયના તફાવત (Time Zone)ને કારણે વિશ્વના અલગ-અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. પેસિફિક મહાસાગરના ટાપુ દેશ કિરીબાતીમાં સૌથી પહેલા વર્ષ 2026નું આગમન થયું હતું, ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં પણ નવા વર્ષની ધામધૂમથી શરૂઆત થઈ છે.
ન્યૂઝીલેન્ડ અને સિડનીમાં આતશબાજીનો નઝારો
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં મધ્યરાત્રિ થતાની સાથે જ આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું. હજારો લોકોએ રસ્તા પર ઉતરીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ જશ્નનો માહોલ જામ્યો છે. સિડની હાર્બર બ્રિજ પર આતશબાજીના અદભૂત નઝારાને જોવા માટે લાખો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
ભારતમાં ધાર્મિક પર્યટનનો ક્રેઝ: મંદિરોમાં ભક્તોનું મહેરામણ
ભારતમાં નવા વર્ષની ઉજવણીમાં આ વખતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. યુવા પેઢી ક્લબ કે પાર્ટીના બદલે આધ્યાત્મિકતા તરફ વળી રહી છે. અયોધ્યા રામ મંદિર, કાશી વિશ્વનાથ, મથુરા-વૃંદાવન અને ઉજ્જૈન મહાકાલ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના વર્ષની શરૂઆત ઈષ્ટદેવના દર્શન અને પૂજા-અર્ચના સાથે કરવા માંગે છે. વૈષ્ણોદેવી અને અન્ય પ્રમુખ યાત્રાધામોમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.
હિલ સ્ટેશનો પર ‘હાઉસફુલ’ જેવી સ્થિતિ
નવા વર્ષના વેકેશન માટે શિમલા, મનાલી, દેહરાદૂન અને માઉન્ટ આબુ જેવા ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પુણે જેવા મેટ્રો શહેરોમાં પણ ભવ્ય ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષા વ્યવસ્થા સજ્જ
વધતી ભીડને જોતા વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. છત્તીસગઢના સુરજપુરના એએસપી સંતોષ મહતોએ જણાવ્યું કે, પિકનિક સ્પોટ અને જાહેર સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે જોખમી સ્થળોએ જઈને સેલ્ફી ન લેવી. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સુરક્ષિત રીતે ઉજવણી કરવી.
ભારતમાં આજે રાત્રે 12 વાગ્યે ઘડિયાળના ટકોરે વર્ષ 2026નું આગમન થશે, જેના માટે અત્યારથી જ સોશિયલ મીડિયા પર 'હેપ્પી ન્યૂ યર'ના મેસેજની વર્ષા શરૂ થઈ ગઈ છે.


