બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સમીક્ષા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India on High Alert Amid Bangladesh Violence : બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત બાદ સ્થિતિ ફરી એકવાર સ્ફોટક બની છે. ભારત વિરોધી આંદોલનના મુખ્ય નેતા શરીફ ઉસ્માન હાદીના સિંગાપોરમાં સારવાર દરમિયાન થયેલા મોત બાદ સમગ્ર બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે. આ હિંસાને જોતા ભારતીય સેનાની પૂર્વી કમાનના પ્રમુખ લેફ્ટિનન્ટ જનરલ આર.સી.તિવારીએ તાત્કાલિક ત્રિપુરા સરહદે પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ભારતીય સરહદ પર તકેદારી વધારાઈ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અંધાધૂંધી અને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાના પગલે ભારતીય સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે. ત્રિપુરા બાંગ્લાદેશ સાથે 856 કિલોમીટર લાંબી સીમા ધરાવે છે, જ્યાં આર્મી કમાન્ડરે સૈનિકોની ઓપરેશનલ તૈયારીઓની તપાસ કરી છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા તૈયાર રહેવા આદેશ આપ્યો છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ પુષ્ટિ કરી છે કે સ્થિતિ પર કેન્દ્ર સરકાર સીધી નજર રાખી રહી છે.
બાંગ્લાદેશમાં અનેક ઠેકાણે હિંસા
શરીફ હાદીના મોતથી ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ ઢાકામાં 'પ્રથમ આલો' અને 'ડેઈલી સ્ટાર' જેવા અખબારોની ઓફિસમાં આગચંપી કરી છે. ચટગાંવમાં સ્થિત ભારતીય હાઈ-કમિશનના કાર્યાલય પર પણ પથ્થરમારો કરી ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન ભારત વિરોધી ઉગ્ર નારાબાજી કરવામાં આવી હતી. મૈમનસિંગમાં એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા અને આગચંપીની ઘટનાઓએ આખા દેશમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.
યુનુસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
યુનુસ સરકારની અપીલ અને શોકની જાહેરાત વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ હિંસાની નિંદા કરતા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સરકારે શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને હાદીના હત્યારાઓને પકડવાનું વચન આપ્યું છે. જોકે, પત્રકારો અને લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે બાંગ્લાદેશમાં લોકશાહીની પ્રક્રિયા જોખમમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે.









