Pakistan Water Crisis : પહલગામમાં આતંકવાદી હુમલો કરી 26 નિર્દોષની હત્યા કરનારા પાકિસ્તાનને ભારતે એવો પાઠ ભણાવ્યો છે કે હવે ત્યાંના લોકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે. ભારત સરકારે પહલગામ હુમલા બાદ 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાનીઓ હવે ભૂખે મરવા મજબૂર થયા છે. આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનમાં હવે પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની રહી છે.
ભારતના પગલાંથી અમારા લોકોનું જીવન જોખમમાં : નાયબ વડાપ્રધાન
ભારતના આ પ્રહારથી પાકિસ્તાની શાસકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે હતાશામાં નિવેદન આપતાં ભારત પર સંધિ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ઈશાક ડારે ભારતની કડકાઈથી ડરીને કહ્યું કે, ‘અમે આ વર્ષે એપ્રિલમાં જોયું કે ભારતે સિંધુ જળ સંધિ પર એકપક્ષીય કાર્યવાહી કરીને તેને રદ કરી દીધી હતી. પરંતુ હવે જે જોઈ રહ્યા છીએ તે ભારતના ભૌતિક ઉલ્લંઘનો છે, જે સિંધુ જળ સંધિના મૂળમાં ઘા કરે છે. નવી દિલ્હીના આ પગલાંથી અમારા લોકોનું જીવન જોખમમાં મૂકાઈ જશે અને તેઓ ભૂખ્યા-તરસ્યા મરવા મજબૂર થશે.’
આતંકી હુમલાના જવાબમાં ભારતની આકરી કાર્યવાહી
ભારતે આ સંધિ રદ કરવા પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ દંડાત્મક પગલાંઓ શરુ કર્યા છે. વિશ્વ બૅંકની મધ્યસ્થીથી થયેલી આ સંધિ છતાં પાકિસ્તાન પોતાની આતંકી હરકતોથી બાજ આવ્યું નહોતું, પરિણામે ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા અને 100થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હવે પાણી અટકાવીને ભારતે પાકિસ્તાનની રહીસહી તાકાત પણ તોડી નાખી છે.
‘પાણી રોકવું એ યુદ્ધ સમાન કૃત્ય ગણાશે’
ઈશાક ડારે ભારત પર પાકિસ્તાનીઓની આજીવિકા છીનવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભારતની આ કાર્યવાહીને કારણે પાકિસ્તાન પૂર અને દુષ્કાળ બંને સામે લાચાર બની ગયું છે. ડારે આરોપ લગાવતાં કહ્યું કે, ‘ભારત દ્વારા પાણીની હેરાફેરી કરવામાં આવી રહી છે. બેસિનમાં શૂન્ય પાણીના કારણે પાકિસ્તાનમાં કૃષિને ખરાબ રીતે થઈ રહી છે, જે અહીંના લોકોના જીવન અને આજીવિકા માટે સીધો ખતરો છે.’ પાકિસ્તાની મંત્રીએ ગીધડ ધમકી આપતાં એવું પણ કહી દીધું કે, પાણી રોકવું એ યુદ્ધ સમાન કૃત્ય ગણાશે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો, 4 શહેરોમાં હિંસા-તોડફોડ-આગચંપી


