Bangladesh Violence : બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારે હિંસા શરૂ થઈ ગઈ છે. અપક્ષ ઉમેદવાર ઉસ્માન હાદીની હત્યા કરાતા અને હિન્દુ યુવકને માર મારીને સળગાવી દેવામાં આવતા દેશના અનેક વિસ્તારોમાં હિંસા, આગચંપી અને મોટાપાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અહીં દેખાવકારો મીડિયા હાઉસ, સરકારી ઓફિસો, નેતાઓના નિવાસસ્થાનો સહિતના સ્થળો પર હુમલાઓ કરી આગ ચાંપી રહ્યા છે. ભયાનક હિંસાઓ શરૂ થયા બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે (Muhammad Yunus) મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે.
હિંસાની ઘટના વધતા યુનુસ સરકારે લોકોને શાંતિ જાળવવા કરી અપીલ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંગમાં એક હિન્દુ વ્યક્તિની ભીડ દ્વારા હત્યાની ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા સ્પષ્ટ કર્યું છે કે નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. સરકાર વતી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે આ જઘન્ય અપરાધના દોષિતોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. સત્તાવાળાઓએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અરાજકતા, આગજની અને સંપત્તિના નુકસાનનો સખત વિરોધ કરે, જેથી દેશમાં લોકશાહીના પરિવર્તનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.
પત્રકારો પર હુમલો થતાં યુનુસ સરકાર ચિંતિત
સરકારે પત્રકારો પર થઈ રહેલા હુમલાઓને સત્ય પરનો હુમલો ગણાવતા સંવેદના વ્યક્ત કરી છે અને તેમને ન્યાય અપાવવાનું વચન આપ્યું છે. નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે, આગામી ચૂંટણી અને જનમત સંગ્રહ એ માત્ર રાજકીય પ્રક્રિયા નથી, પરંતુ શહીદોના બલિદાનને સન્માન આપવા માટેની એક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. આ ઐતિહાસિક ક્ષણે દરેક નાગરિકે હિંસા અને નફરતને ફગાવીને સંયમ અને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ જેથી અરાજકતા ઈચ્છતા તત્વો પોતાના ઈરાદામાં સફળ ન થઈ શકે.
હાદીના મોત બાદ હિંસા ભડકી, અનેક વિસ્તારોમાં હુમલા-આગચંપી
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થયું છે. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના બે મોટા અખબારો 'પ્રથમ આલો' અને 'ડેઇલી સ્ટાર'ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું.
રસ્તા પર ચક્કાજામની સ્થિતિ
મળતી માહિતી મુજબ, હાદીના મોતના સમાચાર મળતા જ હજારો લોકો ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા અને રસ્તા જામ કરી દીધા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પર હાદીની સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને જોતજોતામાં પ્રદર્શન હિંસક બની ગયું. ઉપદ્રવીઓએ સૌથી પહેલા કરવાન બજારમાં આવેલી 'પ્રથમ આલો'ની ઓફિસ પર હુમલો કર્યો, જ્યાં ફર્નિચર અને દસ્તાવેજોને બહાર ફેંકીને આગ લગાવી દેવાઈ. ત્યારબાદ 'ડેઇલી સ્ટાર'ની ઓફિસને પણ નિશાન બનાવી આગ ચાંપી દીધી.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો, 4 શહેરોમાં હિંસા-તોડફોડ-આગચંપી
ભારતીય હાઈ કમિશનના કાર્યાલય પર પથ્થરમારો
હિંસા આટલેથી જ ન અટકતા, ગુરુવારે મોડી રાત્રે પ્રદર્શનકારીઓ ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકઠા થયા અને ઓફિસ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન, 'ભારતીય આક્રમણને ધ્વસ્ત કરો!' અને 'લીગવાળાઓને પકડીને મારો!' જેવા ભારત-વિરોધી અને અવામી લીગ-વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા.
હાદીને ગોળી મારવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરના રોજ ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને 'જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ' ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. યુનુસે હાદીના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેવું વચન આપ્યું અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવી પણ જાહેરાત કરી. શરીફ ઉસ્માન હાદી 'ઇન્કલાબ મંચ'ના સંસ્થાપક હતા અને જુલાઈ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.


