For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંગલોર એરો શો : પાર્કિંગમાં આગ લાગતા 300 જેટલા વાહનો ખાક

-ઉદ્ધાટનના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન એક પાયલટનું મોત થયેલું

Updated: Feb 23rd, 2019

Article Content Imageબેંગલોર, તા.23 ફેબ્રૂઆરી 2019,શનિવાર

બેંગલોરમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. આ શોના પાર્કિંગમાં આગ લાગતા ૩૦૦ જેટલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છેે. પાર્કિંગમાં રહેલા સૂકા ઘાંસમાં આગ લાગવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ.

બેંગલોરમાં બુધવારથી શરૂ થયેલા દ્વિવાર્ષિક એરો ઈન્ડિયા ૨૦૧૯ શોમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. શનિવારે અચાનક જ આ શોના પાર્કિંગમાં રહેલા સૂકા ઘાંસમાં આગ લાગવાના કારણે ત્યાં પાર્ક કરાયેલી ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ હતી અને જોતજોતામાં ૩૦૦ જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. ભારે પવનના કારણે ઘાંસમાં લાગેલી આગ તેજીથી ફેલાઈ હતી અને આસપાસની ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ હતી.

અગ્નિશામક દળની ૧૨ જેટલી ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. સીનિયર પોલીસ ઓફિસર એમએન રેડ્ડીના મતે સળગતી સિગારેટના કારણે ઘાંસમાં આગ લાગી હોવાની શક્યતા જણાઈ રહી છે. 

શનિવારે બપોરે ૧૧ઃ૫૫ કલાકે આગ લાગી હતી અને આગને કારણે આકાશમાં ઉંચે સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બેંગલોરની ઉત્તર દિશામાં આવેલા યેલાહંકા એર બેઝ ખાતે આ દુર્ઘટના ઘટી હતી અને જ્યાં સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં ન આવી ગઈ ત્યાં સુધી એરો શોને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ શોધવા માટે એક તપાસ પંચ નીમવામાં આવ્યું છે. 

એરો ઈન્ડિયા શોના ઉદ્ધાટન પહેલા ૧૯ ફેબુ્રઆરીના રોજ પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં સાહિલ ગાંધી નામના પાયલટનું નિધન થયુ હતું. પ્રેક્ટિસ સેશન દરમિયાન સાહિલનું વિમાન અન્ય વિમાન સાથે ટકરાતા પ્લેનના આગળના હિસ્સાને ક્ષતિ પહોંચી હતી અને તેઓ બહાર ન નીકળી શકવાના કારણે મૃત્યુ પામ્યા હતા.

સાહિલને શ્રદ્ધાંજલિ આપવા માટે વાયુ સેનાની સાત સૂર્ય કિરણ વિમાન ધરાવતી એરૌબેટિક ટીમે આકાશમાં ઈનકમ્પ્લીટ ડાયમંડ ફોર્મેશન બનાવ્યું હતું. 

Gujarat