India

દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ કે રાહત?: સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું, ‘લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી’

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-NCRમાં ફટાકડા અને વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે ધાર્મિક લાગણીઓ અને જાહેર આરોગ્ય વચ્ચે સંતુલન જરૂરી છે. લોકોએ સ્વેચ્છાએ ઓછા પ્રદૂષણવાળા વિકલ્પો અપનાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે ફટાકડા ફોડવામાં ધાર્મિક શું છે? આ મામલે આગામી સુનાવણી 15 ઓક્ટોબરે હાથ ધરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ કે રાહત?: સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું, ‘લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી’

Supreme Court Hearing Firecrackers Ban Delhi NCR: દિલ્હી-NCRમાં ફટાકડાના ઉપયોગ અને વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. અદાલતે જણાવ્યું કે ધાર્મિક લાગણીઓ અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલી ચિંતાઓ વચ્ચે સંતુલન બનાવવું અત્યંત જરૂરી છે. આ સાથે, લોકોએ અદાલતના સખત આદેશોની રાહ જોવાના બદલે જાતે જ ઓછા પ્રદૂષણવાળા માર્ગો અપનાવીને તહેવાર ઉજવવા આગળ આવવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની પીઠે જણાવ્યું કે, અદાલત ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતી નથી, પરંતુ ફટાકડાથી થતા નુકસાન વિશે લોકોને જાગરૂક કરવા પણ એટલા જ જરૂરી છે.

ધાર્મિક લાગણીઓ જરૂરી, પરંતુ આરોગ્ય સાથે સમજૂતી નહીં

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, લોકોએ સ્વેચ્છાએ ઓછા પ્રદૂષણવાળા વિકલ્પો અપનાવવા જોઈએ. આ સમગ્ર મામલે સંતુલિત અભિગમ જરૂરી છે. તેમના મતે, નાગરિક સમાજ વચ્ચે જાગરૂકતા કેળવવી એ આ સમસ્યાનો સામનો કરવાનો અસરકારક માર્ગ હોઈ શકે છે. બીજી તરફ, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીએ ફટાકડા ફોડવાના ધાર્મિક આધાર પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, ફટાકડા ફોડવામાં ધાર્મિક શું છે? આ કેસમાં કોર્ટની મદદ કરી રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે વાયુ પ્રદૂષણથી બાળકો, વડીલ અને બીમાર લોકોને થતા નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો.

માત્ર એક-બે કલાક ફટાકડા ફોડવાનો આદેશ પૂરતો નથી

સુનાવણી દરમિયાન ફટાકડા ફોડવા માટે સમયમર્યાદા નક્કી કરવા અને તેનો અમલ કરાવવાના વ્યવહારિક પડકારો પર પણ ચર્ચા થઈ હતી. વરિષ્ઠ વકીલે જણાવ્યું કે કાગળ પર સમયમર્યાદા નક્કી કરવી સરળ છે, પરંતુ જમીની સ્તરે દરેક ગલીમાં પોલીસ બંદોબસ્ત શક્ય નથી. મુખ્ય ન્યાયાધીશે પણ સ્વીકાર્યું કે, અદાલતે એવો આદેશ આપતા પહેલા વિચારવું જોઈએ જેનો અમલ કરાવવો મુશ્કેલ હોય.

ઓછા પ્રદૂષણ વાળા ફટાકડા પ્રોત્સાહિત કરવા પર ભાર

પીઠે પરંપરાગત રીતે દીવા પ્રગટાવીને તહેવાર ઉજવવાના વિકલ્પોને પ્રોત્સાહન આપવા અને વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડાના વેચાણ પર નિયંત્રણ લાવવા અંગે વિચારણા કરી હતી. આ વિષય અંગેના સૂચનો 'કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ' (CAQM) સમક્ષ મૂકવા સંકેત આપ્યા હતા.

પરાળ સળગાવવાની સમસ્યા પર ચર્ચા

પ્રદૂષણના અન્ય મુખ્ય કારણ એવા પરાળ સળગાવવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે પાકના અવશેષોનું હવે વ્યાપારી મૂલ્ય છે, જેનાથી ખેડૂતોને આર્થિક લાભ થઈ શકે છે. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ અંગે ટૂંક સમયમાં વિગતવાર એફિડેવિટ દાખલ કરશે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે 15 ઓક્ટોબરે ફરી સુનાવણી હાથ ધરશે.