4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ?

Ethiopia Volcanic Eruption: ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં આવેલો હાયલી ગુબી (Hayli Gubbi) જ્વાળામુખી 23મી નવેમ્બર 2025ના રોજ 10,000થી 12,000 વર્ષમાં પહેલી વાર ફાટ્યો, જેની સીધી અને આશ્ચર્યજનક અસર ભારતના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ જ્વાળામુખીની રાખ 4,000 કિલોમીટરનું વિશાળ અંતર માત્ર 24 કલાકમાં કાપીને ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હવામાં ફેલાઈ ગઈ છે. આ રહસ્યમય યાત્રા પાછળ 'જેટ સ્ટ્રીમ' નામનો શક્તિશાળી પવન પ્રવાહ જવાબદાર છે.
રાખના વિશાળ ગોટા 14-15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા
હાયલી ગુબી જ્વાળામુખી, જે વિશ્વના સૌથી ગરમ પ્રદેશોમાંના એક એવા દાનાકિલ રણમાં સ્થિત છે, તે 23મી નવેમ્બરની સવારે લગભગ 8:30 વાગ્યે ફાટ્યો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ગેસ અને રાખના વિશાળ ગોટા 14-15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા હતા, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં લગભગ બમણા છે.
આ વિસ્ફોટ આફ્રિકન રિફ્ટ વેલીનો એક ભાગ છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો અલગ થઈ રહી છે. વિસ્ફોટને કારણે પૃથ્વી ધ્રૂજી ઊઠી હતી. વિસ્ફોટ બાદ તુલૂઝ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર (VAAC) દ્વારા તરત જ ચેતવણી જાહેર કરાઈ હતી, કારણ કે રાખમાં ઝેરી સલ્ફર ડાયોક્સાઇડ પણ હતું.
'જેટ સ્ટ્રીમ' હાઇવે પર સવાર રાખની ઝડપી યાત્રા
જ્વાળામુખીની રાખ આટલી ઝડપથી આટલું લાંબુ અંતર કેવી રીતે કાપી શકી, તેનો જવાબ પૃથ્વીના ઉપલા વાતાવરણમાં રહેલો છે. મિશિગન ટૅક્નોલૉજીકલ યુનિવર્સિટીના જ્વાળામુખીશાસ્ત્રી સિમોન કાર્ને જણાવ્યું કે, રાખ લગભગ 130 કિમી/કલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધી રહી હતી. જ્યારે રાખ 14-25 કિલોમીટરની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે જેટ પ્રવાહ નામના તીવ્ર પવનોમાં ફસાઈ જાય છે. આ પવનો 100-200 કિમી/કલાકની ઝડપે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, જેણે રાખને 'ટ્રક'ની જેમ વહન કરી.
સમગ્ર ભૂગોળ સમજો
• ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં હાયલી ગુબી ખાતે વિસ્ફોટ થયો હતો, જે એરિટ્રિયાની સરહદે છે. રાખ ત્યાંથી હવામાં ફેલાઈ હતી.
• 23મી નવેમ્બર સાંજે રાખ રાતો સમુદ્ર પાર કરે છે. 500-600 કિ.મી.નું અંતર કાપી સાઉદી અરેબિયા અને યમનમાંથી પસાર થાય છે.
• 24મી નવેમ્બર સવારે રાખ ઓમાન ઉપરથી પસાર થઈ અને પવનની દિશા તેને અરબી સમુદ્ર તરફ લઈ જાય છે.
• 24મી નવેમ્બરે બપોરે અરબી સમુદ્ર પાર કરીને પાકિસ્તાન સ્પર્શી અને ગુજરાતમાં પહોંચે છે.
• 24મી નવેમ્બર રાત્રે 11 વાગ્યે રાખ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆરને આવરી લે છે. રાખ હિમાલય તરફ પણ આગળ વધી.

