આજે રામ મંદિર પર ચઢશે અમદાવાદમાં તૈયાર કરાયેલી 'ધર્મ ધ્વજા', PM મોદી અને સાધુ-સંતો થશે સામેલ

Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ
આજે બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.
ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ
પહોળાઈ- 11 ફૂટ
વજન- 2.5 કિલો
રંગ- કેસરી
ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે
આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.
અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:
અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?
મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ
મંદિર ઉપર લાગતાં કડા
મંદિરના દરવાજાના હાર્ડવેર
મંદિર માટેની દાનપેટી
ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ
વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન
આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન 'ૐ' અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.
ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.
ભારતીય સેનાનો સહયોગ કયા કારણસર લેવાશે?
આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.
આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

