સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, આવક કરતાં વધુ સંપત્તિ મામલે કરોડોની પ્રોપર્ટી જપ્ત
Satyendar Jain Money Laundering Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન સામે આકરી કાર્યવાહી કરી છે. ઈડીએ મની લોન્ડ્રિંગ નિવારણ અધિનિયમ (PMLA)-2002 હેઠળ જૈનની 7.44 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સીબીઆઇએ 24 ઑગસ્ટ-2017માં જૈન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી, તેના આધારે ઈડીએ આ કાર્યવાહી કરી છે.
CBIએ 2018માં ચાર્જશીટ ફાઇલ કરી હતી
સીબીઆઇએ સત્યેન્દ્ર કુમાર જૈન, તેમની પત્ની પૂનમ જૈન અને અન્ય વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. તેમાં આરોપ લગાવાયો હતો કે, સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં મંત્રી હતા ત્યારે તેમણે 14 ફેબ્રુઆરી-2015થી 31 મે-2017 દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ મેળવી હતી. ત્યારબાદ સીબીઆઇએ સત્યેન્દ્ર જૈન, પૂનમ જૈન અને અન્ય વિરુદ્ધ ત્રણ ડિસેમ્બર-2018માં ચાર્જશીટ દાખલ કરી હતી.
EDએ અગાઉ 4.81 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી હતી
અગાઉ ઈડીએ 31 માર્ચ-2022માં સત્યેન્દ્ર જૈનની કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ અસ્થાયીરૂપે જપ્ત કરી હતી અને 27 જુલાઈ-2022માં પ્રોસિક્યૂશન કમ્પલેન (PC) દાખલ કરી હતી. જેમાં કોર્ટે પીસીને ધ્યાને લીધી હતી. EDની તપાસમાં સામે આવ્યું કે નવેમ્બર 2016માં નોટબંધી બાદ તરત જ સત્યેન્દ્ર જૈનના નજીકના સહયોગી અંકુશ જૈન અને વૈભવ જૈને ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ (IDS) હેઠળ ઍડ્વાન્સ ટેક્સ તરીકે બૅંક ઑફ બરોડાની ભોગલ શાખામાં રૂપિયા 7.44 કરોડ રોકડા જમા કરાવ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આઇડીએસ હેઠળ અન્ય વ્યક્તિઓના નામે રહેલી ચાર લિમિટેડ કંપનીઓએ એકાઉન્ટમાં મેળવેલા 16.53 કરોડ રૂપિયાની આવક-સંપત્તિના લાભકારી માલિક હોવાનો દાવો કર્યો હતો. જોકે વાસ્તવમાં આ કંપનીઓની માલિકી અને નિયંત્રણ જૈનના હાથમાં હતું. આ આધારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને દિલ્હી હાઇકોર્ટે અંકુશ અને વૈભવને સત્યેન્દ્રની બેનામી સંપત્તિના ધારક માન્યા હતા.