Get The App

મેઘરાજાની વિદાય પહેલા IMDનું ઍલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
મેઘરાજાની વિદાય પહેલા IMDનું ઍલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી 1 - image


Heavy Rain Alert : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં સોમવાર રાત્રિથી મંગળવાર સવાર સુધી થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જળભરાવમાં વીજળીનો કરંટ ઉતરતા સાત લોકોના મોત થયા છે. કોલકાતા અને હાવડામાં ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રસ્તા, ટ્રેન અને મેટ્રો સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે. ક્રૂ મેમ્બર અને પાયલટને મોડું થવાથી વિમાન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ત્યારે હવામાન વિભાગે કોલકાતા માટે આફતભર્યું ઍલર્ટ જાહેર કર્યું છે.

મેઘરાજા વિદાય પહેલા વરસાવશે વરસાદી આફત

આમ તો દક્ષિમ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો સમય નજીક આવી ગયો છે, જોકે મેઘરાજા જતાં જતાં હજુ પણ આફત વરસાવે તેવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આવનારા દિવસોમાં ઘણા રાજ્યોમાં ખાસ કરીને પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવનોનો સામનો કરવો પડી શકે છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય

IMDની આગાહી મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક લો પ્રેશર એરિયા સક્રિય થયો છે, જેની અસર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં જોવા મળી છે. અહીં મંગળવારથી ભારે વરસાદ પડ્યા બાદ ભારે આફતભરી સ્થિતિ સર્જાઈ છે. અહીં અનેક રસ્તાઓ પર પાણી ભરાતા અસ્તવ્યસ્ત જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગામી કેટલાક દિવસો સુધી સતત ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : કોલકાતામાં વરસાદે 40 વર્ષનો રૅકોર્ડ તોડ્યો: ગાડીઓ તણાઈ, ટ્રેન-મેટ્રો-વિમાન સેવા ખોરવાઈ, 7ના મોત

છત્તીસગઢમાં રેડ અને ઑરેન્જ ઍલર્ટ

આઇએમડીએ છત્તીસગઢના દક્ષિણ અને મધ્ય ભાગો માટે રેડ અને ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. રાજ્યમાં 24 સપ્ટેમ્બરે વીજળીના કડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 25-26 સપ્ટેમ્બરે પ્રતિ કલાક 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાયપુર, બિલાસપુર, દંતેવાડા, બસ્તર અને સુકમા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. 

મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ ભારે વરસાદની આગાહી

મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ કર્ણાટકથી લઈને દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પવનોનું ચક્રવાત પરિભ્રમણ સક્રિય દેખાઈ રહ્યું છે. હવામાન વિજ્ઞાનીઓનું માનવું છે કે, ચક્રવાતના કારણે આ રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદનું જોર વધી શકે છે. દક્ષિણ ભારતના તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન બદલાયેલું જોવા મળી રહ્યું છે.

ચોમાસાની વિદાય પહેલા ભારે અસર

ચોમાસાની વિદાય લેવાનો સમય નજીક આવી ગયો છે, છતાં તેની અસર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી રહેલી નવી સિસ્ટમ અને ચક્રવાત પરિભ્રમણને કારણે પૂર્વ-દક્ષિણ-મધ્ય ભારતમાં હવામાન બગડી શકે છે. છત્તીસગઢ સહિત અનેક રાજ્યો માટે આગામી 2-3 દિવસ ખૂબ જ મહત્ત્વના મનાઈ રહ્યા છે.

Tags :