For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અરુણાચલ પ્રદેશ સતત બીજા દિવસે તંગદિલી: સેનાએ સંભાળ્યો મોરચો

- મુખ્યમંત્રી પેમા ખાંડુની PRC મુદ્દો પડતો મૂકવાની ખાતરી

- અરુણાચલની રાજધાની ઈટાનગરમાં આર્મી દ્વારા પેટ્રોલિંગ

Updated: Feb 25th, 2019

Article Content Image

(પીટીઆઈ ) ઈટાનગર, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર

અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરની ગલીઓમાં સોમવારે આર્મીએ પેટ્રોલિંગ કર્યુ હતું. છ આદિવાસી સમૂદાયને સ્થાયી નિવાસી પ્રમાણ પત્ર આપવાના વિરોધમાં અરુણાચલ પ્રદેશમાં તંગદિલી વ્યાપેલી છે. 

અરુણાચલ પ્રદેશની સરકારે નામસાઈ અને ચાંગલાવ જિલ્લાના છ આદિવાસી સમૂદાયના લોકોને સ્થાયી નિવાસી પ્રમાણ પત્ર પાઠવવા અંગે વિચારણા થઈ રહી હોવાની જાહેરાત કરી હતી.

સરકારના આ નિર્ણયનો રાજ્યના મૂળ નિવાસી લોકોએ ભારે વિરોધ કર્યો હતો. પીઆરસી મુદ્દે વિરોધ પ્રદર્શને રાજ્યમાં ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરતા કહ્યું કે ૨૨મી ફેબુઆરીએ જ તેમની માંગણીઓનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. પીઆરસીનો વિચાર હવે પડતો મુકવામાં આવ્યો છે અને તે ચેપ્ટરને ક્લોઝ કરી દેવાયું છે. આ ઉપરાંત તેમણે ભવિષ્યમાં પણ પીઆરસી મુદ્દે વાત નહીં કરે તેવી ખાતરી આપી હતી. 

પ્રદર્શનકારીઓએ રવિવારે ઉપ મુખ્યમંત્રી ચૌના મેનના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને પાર્કિંગમાં રહેલી ગાડીને સળગાવી દીધી હતી. તેમને રોકવાના પ્રયાસરુપે પોલીસે કરેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા.

આઈટીબીપી દ્વારા કરાયેલા ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને તેના શબને લઈને હજારો લોકોે ઈટાનગરના ઈંદિરા ગાંધી પાર્કમાં એકત્ર થયા હતા. અનેક સ્થળે લોકોએ વાહનો સળગાવીને તથા પથ્થરમારો કરીને વિરોધ પ્રદર્શન કર્યા હતા અને દુકાનો, શોપિંગ મોલમાં લૂંટ મચાવી હતી.

આ કારણે સમગ્ર પંથકમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસનની મદદ કરવા અર્ધલશ્કરી દળના ૧,૦૦૦ જવાનોને માક્લ્યા છે. 

મુખ્યમંત્રી પેમા ખાંડૂએ પ્રદર્શનકારીઓને તેમની માંગ સ્વીકારી લેવાઈ હોવાથી શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ફરી આ મુદ્દો નહીં ઉખાળવામાં આવે તેવી ખાતરી આપી હતી.

તેમણે અનેક દાયકાથી અરુણાચલ પ્રદેશમાં વસતા ડેઓરીસ, સોનોવાલ કાચરીસ, મોરન્સ, ગોરખા, આદિવાસી અને મિશિંગ એમ છ સમૂદાયના લોકોને સ્થાયી નિવાસી પ્રમાણ પત્ર આપવાના વિચારની ઘોષણા કર્યા બાદ રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરુણાચલ પ્રદેશની વર્તમાન હાલતને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે.

Gujarat