| (IMAGE - IANS) |
Aroop Biswas Resign after Messi Programme: પશ્ચિમ બંગાળના યુવા ભારતી રમતગમત સંકુલમાં ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીના કાર્યક્રમ દરમિયાન થયેલી અરાજકતા અને સુરક્ષામાં ચૂક મામલે આખરે મોટું રાજકીય પરિણામ આવ્યું છે. મમતા બેનર્જી સરકારના ખેલ મંત્રી અરુપ બિસ્વાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેસીના કાર્યક્રમમાં સર્જાયેલી ગેરવ્યવસ્થામાં તેમની ભૂમિકા પર શરુઆતથી જ સવાલો ઊભા થઈ રહ્યા હતા, જેને જોતાં તેમણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
ત્રણ સભ્યોની તપાસ પંચની રચના
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ સમગ્ર ઘટનાની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ અસીમ કુમાર રોયના અધ્યક્ષપદે ત્રણ સભ્યોના પંચની રચના કરી છે. આ પંચમાં મુખ્ય સચિવ મનોજ પંત અને ગૃહ સચિવ નંદિની ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે. પંચે મંગળવારે નબન્ના ખાતે પોતાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો હતો.
SITની તપાસ માટે ભલામણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ પંચે આ મામલે નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) બનાવવાની સલાહ આપી છે. પંચે બિધાનનગર પોલીસ અને રાજ્યના રમતગમત વિભાગ પાસે 24 કલાકની અંદર વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. તપાસમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં
1. મેદાનમાં પાણીની બોટલો: કડક સુરક્ષા છતાં મેદાનમાં પાણીની બોટલો કઈ રીતે પહોંચી? શું ગેટ પર સુરક્ષામાં ખામી હતી અને આ માટે જવાબદાર કોણ છે?
2. મેદાનમાં ભીડ: મેદાનની અંદર કોને જવાની મંજૂરી હતી? અંદરના કાર્યક્રમ માટે શું પ્લાનિંગ હતું અને તે પ્લાનિંગના અમલીકરણમાં કોની ભૂમિકા હતી?
આ પણ વાંચો: ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઈલેન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ
CEOની પૂછપરછ અને પોલીસની કાર્યવાહી
તપાસ સમિતિએ રવિવારે સવારે યુવા ભારતી સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમના સીઈઓ દેવ કુમાર નંદની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, સીઈઓએ એવો બચાવ કર્યો હતો કે ઘટના સમયે તેઓ ત્યાં હાજર ન હોવાથી તેમને આ વિશે વધુ જાણકારી નથી. હાલમાં પોલીસની નજર સીઈઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની ભૂમિકા પર ટકેલી છે.


