Get The App

ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
Army Dog Tyson Courage Kishtwar


Army Dog Tyson Courage Kishtwar: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સામે ચાલેલા એક ભીષણ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોની સાથે એક અબોલ સાથીએ પણ બહાદુરીનો પરિચય આપ્યો છે. સુરક્ષાબળોના સર્ચ ઓપરેશન દરમિયાન આર્મીના ડોગ સ્ક્વોડના સભ્ય 'ટાયસને' પોતાના જીવની પરવા કર્યા વગર જવાનોનો જીવ બચાવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષાબળોએ જેશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લા સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સફળતામાં ટાયસનનું યોગદાન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે તેણે પોતાની ઉપર પહેલી ગોળી ઝીલીને આતંકીઓના લોકેશન શોધવામાં મદદ કરી હતી.

ગંભીર રીતે ઘાયલ ટાયસને જવાનોને આતંકીઓના ચોક્કસ લોકેશન સુધી પહોંચાડ્યા

કિશ્તવાડના પાસરકુટ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આતંકીઓના અડ્ડા સુધી પહોંચવાની જવાબદારી ટાયસનને સોંપવામાં આવી હતી. જેવી ટીમ આગળ વધી કે તરત જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ દરમિયાન ટાયસનના પગમાં ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ ઘાયલ હોવા છતાં તે પીછેહઠ કરવાને બદલે આગળ વધતો રહ્યો અને જવાનોને આતંકીઓના સચોટ ઠેકાણા સુધી પહોંચાડ્યા.

આ પણ વાંચો: તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય

નિર્ણાયક સૈન્ય કાર્યવાહી

ટાયસનની આ બહાદુરીને કારણે સેનાએ નિર્ણાયક કાર્યવાહી કરી અને લાંબા સમયથી ફરાર કુખ્યાત આતંકી સૈફુલ્લાને તેના સાથીઓ સાથે ઢેર કરી દીધો. એન્કાઉન્ટર બાદ ટાયસનને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર છે. ઘટનાસ્થળેથી બે એકે-47 રાઈફલ અને પાંચ મેગેઝિન સહિતનો દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં 'સાયલન્ટ વોરિયર' તરીકે ઓળખાતા આ બહાદુર ડોગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માનવીના સૌથી વિશ્વાસુ મિત્ર અને દેશના સાચા રક્ષક છે.

ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા 2 - image