| (IMAGE - IANS) |
Anti Conversion Law in Uttarakhand: ઉત્તરાખંડમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ રોકવા માટે સજાની જોગવાઈ વધારતા 'ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા(સુધારા) બિલ 2025'ને હાલ મંજૂરી મળી નથી. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે (નિવૃત) આ બિલને કેટલાક ફેરફારો અને પુનઃવિચારના સંદેશ સાથે સરકારને પરત કરી દીધું છે.
કેમ અટકી મંજૂરી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલના ડ્રાફ્ટમાં રહેલી કેટલીક ટેકનિકલ ભૂલોને કારણે રાજ્યપાલે આ નિર્ણય લીધો છે. મંગળવારે વહીવટી વિભાગને આ અંગેની જાણકારી મળી હતી. ધામી સરકાર માટે આ એક મહત્વકાંક્ષી બિલ છે, પરંતુ હવે તેને લાગુ કરવા માટે સરકાર પાસે બે જ વિકલ્પો બચ્યા છે, જેમાં એક છે કે સરકાર વટહુકમ(Ordinance) લાવીને આ કાયદો લાગુ કરે. તેમજ બીજું કે એ આગામી વિધાનસભા સત્રમાં તેને ફરીથી પસાર કરાવવું પડે.
નવા કાયદામાં શું છે કડક જોગવાઈઓ?
ઉત્તરાખંડના નવા ધર્મ સ્વતંત્રતા(સુધારા) બિલ 2025માં ધામી સરકારે ધર્માંતરણ વિરોધી કાયદાને અત્યંત કઠોર બનાવ્યો છે, જેમાં ગુનેગારો માટે આજીવન કેદ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ લગ્નની લાલચ આપીને, હરીફાઈ કે ષડયંત્ર રચીને, હુમલો કરીને અથવા સગીરોની તસ્કરી અને દુષ્કર્મ જેવા ગંભીર કૃત્યો દ્વારા બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવશે, તો તેને ઓછામાં ઓછી 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો ભારે દંડ થઈ શકે છે.
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં
આ ઉપરાંત, સામાન્ય ધર્માંતરણના કિસ્સામાં પણ સજાનો વ્યાપ વધારીને 3 થી 10 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે, જે અગાઉ માત્ર 2 થી 7 વર્ષ હતી. કાયદાના અમલીકરણને વધુ મજબૂત બનાવવા માટે હવે ગેંગસ્ટર એક્ટની જેમ જ જિલ્લા મેજિસ્ટ્રેટને આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો વિશેષ અધિકાર અપાયો છે. સૌથી મહત્ત્વનો ફેરફાર ફરિયાદ પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે; હવે ધર્માંતરણની ઘટનામાં કોઈ પણ વ્યક્તિ સત્તાવાર ફરિયાદ નોંધાવી શકશે, જ્યારે અગાઉ આ અધિકાર માત્ર પીડિતના લોહીના સંબંધ ધરાવતા પરિવારજનો સુધી જ મર્યાદિત હતો.
કાયદાની અત્યાર સુધીની સફર
ઉત્તરાખંડમાં સૌપ્રથમ 2018માં આ કાયદો આવ્યો હતો. ત્યારબાદ 2022માં તેમાં પ્રથમ સુધારો કરાયો. 13 ઑગસ્ટ, 2025ના રોજ કેબિનેટે વધુ કડક સજા માટે મંજૂરી આપી અને 20 ઑગસ્ટે ગૈરસૈણ વિધાનસભા સત્રમાં તેને પસાર કરવામાં આવ્યું હતું. જોકે, રાજભવન તરફથી બિલ પરત આવતા હવે સરકારે નવી વ્યૂહરચના બનાવવી પડશે.


